વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી ઝૂપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ મચી

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં અજબડી મીલ પાસે આવેલા ઠેકરનાથ સ્મશાન નજીકની ઝૂપડપટ્ટીના એક ઝૂપડામાં સવારે આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આ બનાવમાં ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઇ હતી. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી અજબડી મીલ નજીકના ઠેકરનાથ સ્મશાન પાસે આવેલ ઝૂપડપટ્ટીના એક ઝૂપડામાં સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જેને પગલે પાણીગેટ ફાયર બ્રિગેડમાં જાણ કરાતા એક ઝૂંપડામાં લાગેલી આગ કદાચ સમગ્ર ઝુપડપટ્ટીને લપેટમાં લે તેવી શક્યતાને આધારે પાણીગેટ ફાયર સ્ટેશનના ૩ ફાયર ફાઈટર ઘટના સ્થળે રવાના કરાયા હતા.

પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનોએ ઘટના સ્થળે પહોંચી ઝૂંપડામાં લાગેલી આગને ગણતરીની મિનિટોમાં કાબૂમાં લઇ લીધી હતી. જોકે આગને કાબૂમાં લેવાય તે પૂર્વે ઝૂંપડામાં રહેલી તિજોરી તથા ટીવી સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. જેમાં અંદાજે ત્રણથી ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

આગનો આ બનાવ કઈ રીતે બન્યો તેની ચોક્કસ માહિતી નથી, પરંતુ, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. જો ફાયર બ્રિગેડ સમયસર પહોચ્યું ન હોત તો અનેક ઝૂંપડા આગની લપેટમાં આવી ગયા હોત. આગ લાગતા જ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. સ્થાનિક લોકોની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.