વડોદરાના તરસવા ગામમાં મકાનમાં આગ, ૬ વર્ષનું બાળક આગમાં ભડથું

વાઘોડિયા તાલુકાના તરસવા ગામના એક મકાનમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. એક બાળક આગમાં ભડથું થઇ ગયું હતું. જ્યારે એક બાળક સમયસર ઘરની બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો. વાઘોડિયા પોલીસ, મામલતદાર અને એમ્બ્યુલન્સ નહીં પહોંચતા ગામ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામના એક મકાનમાં બપોરે ૧૨ઃ૩૦ વાગ્યાની આસપાસ આગ લાગતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોએ આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.

ઘરની અંદર બે બાળકો હોવાથી પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો હતો. જોકે એક બાળક સમયસર ઘરમાંથી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો. જ્યારે ધૃવ નીતિનભાઇ પરમાર(ઉ.વ.૬)નું આગમાં ભડથું થઇ જતા મોત થયું હતું. સ્થાનિકોએ આગ બુઝાવી દીધી હતી, પણ બાળકનો જીવ બચી શક્યો નહોતો. બીજી તરફ વાઘોડિયા પોલીસ, મામલતદાર અને એમ્બ્યુલન્સ નહીં પહોંચતા ગામ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વાઘોડિયા તાલકા પંચાયતની ખેરવાડી બેઠકના સભ્ય જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તરસવા ગામમાં મકાનમાં આગ લાગતા એક બાળકનું મોત થયું છે. ગ્રામજનોએ મામતલદાર અને ટીડીઓને જાણ કર્યાં અઢી કલાક થયા હોવા છતાં એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી નથી. કોઇ અધિકારીઓ અહીં ફરક્યા નથી. સ્થાનિક હસમુખભાઇએ જણાવ્યું હતું કે, બાળકનું મૃત્યુ થયું હોવા છતાં અહીં કોઇ અધિકારીઓ આવ્યા નથી કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી નથી. માત્ર તલાટી આવ્યા છે, તેઓએ અધિકારીઓને જાણ કરી છે, પરંતું, કોઇ દેખાયુ નથી.