અમરેલીમાં મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ

છેલ્લા ૨ મહિનામાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે આગની ઘટનાઓ સામે આવી છે. તાજેતરની વાત કરીએ તો સાવરકુંડલામાં ટ્રક સળગી ઉઠી હતી. અમરેલી બાયપાસમાં રિક્ષામાં આગ લાગી હતી. લીલીયા રોડ ઉપર કારમાં આગ લાગી હતી. આ પ્રકારના આગના ઘણા બનાવો તાજેતરના દિવસોમાં જ બન્યા છે.

ઉનાળાની ઋતુમાં વર્ષ દરમિયાન સૌથી વધુ આગની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં અમરેલી શહેરના ચિતલ રોડ ઉપર આવેલી સર્વોદય સોસાયટી શેરી નંબર ૨માં આવેલા ટેનામેન્ટના પહેલા માળે દિનેશભાઇ ખેતરિયાના મકાનમાં ઉપરના માળે આગ લાગવાની ઘટના બનતા સોસાયટીમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે આ મકાનમાંથી ધુમાડા બહાર આવતા હતા, જેમાં આગ લાગી જવાના કારણે ઘરવખરી બળીને ખાખ થવા પામી છે.

સોફા, પંખા, તેમજ ઘરનો મોટાભાગનો સામાન ફર્નિચર સહિત બળીને ખાખ થયો છે. જોકે ફાયર ફાઈટર દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર સતત પાણીનો મારો ચાલુ રાખવાના કારણે આગ વધુ પ્રસરે તે પહેલાં તેને બુજાવાઇ હતી. આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ઘરમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ લગાવાઇ રહ્યું છે.