નડિયાદમાં કચરાના ઢગલામાં અને એક મકાનમાં આગ લાગવાની ઘટના બની

નડિયાદમાં ગંજ બજાર વિસ્તારના નાકે કચરામાં આગ લાગી હતી. બાજુમાં આઈસર ટ્રક પાર્ક કરેલી હોવાથી આઇસરના પાછળના ટાયરો બળી ગયા હતા. ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગનો અન્ય એક બનાવ મંજીપુરા રોડ પર બન્યો હતો. આ રોડ ઉપર આવેલી શ્યામસુંદર રેસીડેન્સીના પહેલા માળે ૧૦૨ નંબરના મકાનમાં એકાએક આગ લાગી હતી. આ આગ લાગતાં જ ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડની ટીમે તુરંત ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં મકાનમાં રહેલી તિજોરી, સોફાસેટ, ટીવી, પંખા સહિત અન્ય ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આમ એક જ રાતમાં આગના બે બનાવોથી નડિયાદ શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

નડિયાદમાં આગ લાગવાની બે જુદી જુદી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આકસ્મિક રીતે આગ લાગતાં અહીંયા ભાગદોડ પણ મચી જવા પામી હતી. જો કે આગ સામાન્ય હોવાથી કોઇ જાનહાની સર્જાઈ નહોતી. નડિયાદ ફાયરબ્રિગેડે આ બંને ઘટના સ્થળે દોડી જઈ પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.