પીપીઈ કીટ અને માસ્ક બનાવનાર ફેક્ટરીમાં ભીષણ આગઃ ૧૪ લોકો દાઝ્યા

ગાઝિયાબાદના સાહિદાબાદમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની છે. અહેવાલો મુજબ આગ પોલીસ સ્ટેશન રોડના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ૧૨/૭૧ ફેક્ટરીમાં લાગી છે, જ્યાં મેડીકલ (તબીબી) સાધનો બનાવવામાં આવતા હતા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગને કાબૂમાં લેવા વૈશાલી ફાયર સ્ટેશન સહીત અન્ય ફાયર સ્ટેશનની પણ મદદ લેવામાં આવી હતી.

આગની આ ઘટનામાં ૧૪ લોકો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ગાઝિયાબાદના એસએસપી કલાનિધિ નૈથાનીએ કહ્યું કે, ’૧૪ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી અને તે અંગેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

બચાવ કામગીરી ચાલુ છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર જે કારખાનામાં આગ લાગી છે ત્યાં પી.પી.ઇ કીટ, માસ્ક બનાવવામાં આવતા હતાં. જે તપાસમાં બહાર આવી રહ્યું છે. માહિતી મુજબ આ સમયગાળા દરમિયાન કારખાનામાં કામ કરતી બે મહિલાઓ અને એક સગીર બાળક સહિત કુલ ૧૪ લોકો દાઝી ગયા છે. તમામ ઇજાગ્રસ્તોની સારવાર જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. પોલીસ હાલમાં અકસ્માતનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.