વસ્ત્રાલના બ્રિટિશ પિત્ઝામાં ગ્રાહકે મંગાવેલા પિત્ઝા સાથે સલાડમાં ઈયળ મળી આવી

  • અમદાવાદમાં વધુ એક જગ્યાએથી ખાદ્યપદાર્થમાંથી જીવાત નિકળી
  • ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો
  • ઉપરાઉપરી બે આઉટલેટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી

  • અમદાવાદઃ અમદાવાદમાં પિત્ઝા ખાવુ હવે સેફ નથી રહ્યું એવુ લાગે છે. આજે ઉપરાઉપરી બે આઉટલેટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી છે. અમદાવાદની બે રેસ્ટોરેન્ટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી છે. વસ્ત્રાલના બ્રિટિશ પિત્ઝા સેન્ટરમાં ગ્રાહકે મંગાવેલા સેલડમાં ઈયળ ફરતી જોવા મળી. જેનો ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. તો અમદાવાદના ગુરુકુળ રોડ પર આવેલી શિવમ સ્નેક્સ રેસ્ટોરેન્ટમાંથી વંદો નીકળ્યો છે.

    વધુ એક વાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા સત્વા માંગલ્યા કોમ્પલેક્ષમાં આવેલ બ્રિટિશ પિત્ઝામાંથી જીવાત નીકળી છે. બે દિવસ પહેલા એક પરિવાર પિત્ઝા ખાવા માટે આવ્યો હતો. એ સમયે સેલડમાંથી જીવતી ઇયળ નીકળી હતી. ગ્રાહકે તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

    બ્રિટિશ પિત્ઝા રેસ્ટોરન્ટના માલિકે  જણાવ્યું હતું કે, અમે માલિક તરીકે કોઈ દિવસ ઈચ્છતા ના હોઈએ કે ગ્રાહકને આવી વસ્તુ ખવડાવીએ. વધુમાં જણાવ્યું હતું કે, સિંગ સેલડમાં ઇયળ નીકળી હતી અને હવે અને સિંગ સેલડ જ બંધ કરી દેવામાં આવ્યું છે અને હવેથી અમે ધ્યાન રાખીશું અને માફી પણ માંગવાની તૈયારી દર્શાવી હતી.

    તો બીજી તરફ, અમદાવાદના ગુરૂકુળ રોડ પર આવેલી શિવમ સ્નેક્સ રેસ્ટોરેન્ટમાંથી વંદો નીકળ્યો છે. ચાઈનીઝ ભેળમાંથી વંદો નીકળ્યો હતો. આ ફોટો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. અને લોકો ખાદ્ય પદાર્થોમાં જીવાત નીકળવાના કિસ્સાઓને કારણે બહારનું ખાતા ગભરાઈ રહ્યાં છે.

  • *તસવીર પ્રતિકાત્મક