૫૧ વર્ષીય મહિલાને ચિગાર નામક જંતુ કરડતા સ્ક્રબ ટાઈફસની ગંભીર બિમારીથી પીડિત મહિલાનું સફળતા પૂર્વક નિદાન

સુરતઃ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ક્રબ ટાઈફસનો પ્રથમ કેસ નોંધાયો છે. ૫૧ વર્ષીય મહિલાને ચિગાર નામક જંતુ કરડતા ઓરિએન્ટા સુસુગામુશી નામના બેક્ટેરિયાજનિત સ્ક્રબ ટાઈફસ નામની ગંભીર બિમારી થઈ હતી. જેનું સફળતા પૂર્વક નિદાન કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના વતની આદિવાસી મહિલાને નવી સિવિલમાં ૧૭ દિવસની સઘન સારવાર બાદ નવજીવન મળ્યું છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમવાર નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કનબુડી ગામના વતની એવા ૫૧ વર્ષીય આદિવાસી મહિલાને ૧૭ દિવસની સારવાર બાદ નવજીવન મળ્યું છે. જવલ્લે જાવા મળતી Scrub Typhus- સ્ક્રબ ટાઈફસ નામની બિમારીનું નિદાન થયું હતું. જેનો સુરત નવી સિવિલમાં પ્રથમ કેસ નોંધાયો છે. આદિવાસી મહિલાને દિવાળી પહેલા જંગલમાં સીતાફળ તોડતી વખતે કાનની નીચે જીવાતે ડંખ માર્યો હતો. શરૂઆતમાં કાનની નીચે સોજા આવ્યો અને માથામાં સખત દુઃખાવો થતા નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જયાં બે દિવસની સારવાર આપ્યા બાદ ત્યાંના તબીબોએ અન્ય હોસ્પિટલમાં લઈ જવા જણાવતા પરિવારજનોએ ૧૭મી નવેમ્બરના રોજ નવી સિવિલમાં દાખલ કર્યા હતા. મહિલા દર્દીનો રીપોર્ટ કરાવતા તાવ, લીવર, કીડની અને ફેફસામાં સોજા હોવાનું નિદાન થયું હતું. તત્કાલ ડૉ.અશ્વિન વસાવાના માર્ગદર્શન હેઠળ ગૌરીબેનની સારવાર શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફના કારણે ૧૦ દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા, ત્યારબાદ કિડનીની સારવાર માટે ચારથી પાંચ વાર ડાયાલિસીસ કરવામાં આવ્યું હતું. આમ નિયમિત દવાઓ અને તબીબોની મહામહેનતના કારણે મહિલા સંપૂર્ણ સ્વસ્થ થયા છે.

આ બિમારીનું કારણ જાણવા માટે સુરતની ખાનગી લેબમાં તપાસ કર્યા બાદ સ્ક્રબ ટાઈફસનો રિપોર્ટ NCDC, Delhi ખાતે મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી પણ રીપોર્ટ પોઝીટીવ આવતા આ સ્ક્રબ ટાઈફસ નામની બીમારી ઓરિએન્ટા સુસુગામુશી નામના બેક્ટેરિયા થતી હોવાનું જાણવા મળ્યું હતું.