ભારેથી અતિભારે વરસાદની રાજ્યમાં આગાહી વચ્ચે સર્વત્ર વરસાદી માહોલ
રાજ્યના ૧૦ તાલુકાઓમાં ૪ ઇંચથી ૯ ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગીરસોમનાથના સુત્રાપાડામાં ૯ ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીરસોમનાથના વેરાવળ અને રાજકોટના ગોંડલમાં ૬-૬ ઇંચ વરસાદ નોંધાયો છે. તો માણાવદર, માળીયા અને બાબરામાં ૫-૫ ઇંચ વરસાદ વરસ્યો છે. સાથે જ વિસાવદર, ખાંભા, કેશોદ અને વંથલીમાં ૪-૪ ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ દાહોદ, વલસાડ , ખેડા, સુરત અને વડોદરા જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન બન્યા હતા. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેમાં દાહોદ અને વલસાડમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજી તરફ ખેડા જિલ્લામાં વરસાદ વરસતા રસ્તા નદી બન્યા હતા. ભારે વરસાદને પગલે અહીં રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. તો બીજી તરફ સુરત અને વડોદરાના સાવલીમાં પણ મેઘરાજા પ્રસન્ન થઈ વરસ્યા હતા. છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અવિરત વરસી રહ્યાં છે. હજું પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે. છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રના અનેક પંથકમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે.
તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને કારણે પાણી જ પાણી થઇ ગયું છે. પાણીની સમસ્યા પણ હળવી થઇ છે.રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પર નજર કરીએ તો સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહી પર નજર કરીએ તો, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના શહેરો જેવા કે સુરત, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ વરસી શકે છે. સાથે જ સૌરાષ્ટ્ર પંથકમાં જૂનાગઢ, ગીરસોમનાથ, કચ્છ, દીવમાં ભારે વરસાદ વરસી શકે છે. ગત રાત્રિના પાછલા ૧૪ કલાકમાં રાજ્યના ૧૫૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ૧૦૦ કરતા વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.