પાણી બચતને જનઆંદોલન બનાવો : મોદી

  • ‘જલ ઉત્સવ’થી પાણી બચતને જનઆંદોલન બનાવો, મોદીની હાકલ
  • જળાશયોની નિયમિત ડીસિલ્ટિંગ સાથે ડેમ સલામતી પર ભાર
  • પાણીના ડેટા મેનેજમેન્ટમાં AIનો ઉપયોગ વધારવા વડાપ્રધાનનું સૂચન

નવી દિલ્હી : દેશની જળ સુરક્ષાને મજબૂત બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને કામ કરવું પડશે અને પાણી સંરક્ષણને માત્ર સરકારી યોજના નહીં, પરંતુ જનઆંદોલન બનાવવું પડશે, એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. જળ શક્તિ મંત્રાલય દ્વારા યોજાયેલી બે દિવસીય નેશનલ ડિપાર્ટમેન્ટલ સમિટ ઓન વોટરના સમાપન સત્રને સંબોધતાં વડાપ્રધાને પાણીના સંરક્ષણ, વ્યવસ્થાપન અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા.

મોદીએ જણાવ્યું હતું કે સમિટમાં થયેલી ચર્ચા અને લેવામાં આવેલા નિર્ણયો માત્ર બેઠક પૂરતા મર્યાદિત ન રહેવા જોઈએ. નિર્ણયોનો સમયબદ્ધ અમલ થાય અને તેની નિયમિત સમીક્ષા તથા ફોલોઅપ કરવામાં આવે તે જરૂરી છે. વધતું શહેરીકરણ અને વસ્તી સાથે શહેરોમાં પાણીની માંગ પણ સતત વધવાની છે ત્યારે અર્બન લોકલ બોડીઝને પાણીના વ્યવસ્થાપન માટે વધુ સક્ષમ બનાવવાની જરૂર છે. શહેરોમાં પણ પાણીના પ્રશ્નો અંગે ચિંતન શિબિરો યોજી આગોતરું આયોજન કરવું જોઈએ.

પાણી બચતની કામગીરીમાં લોકોની ભાગીદારી વધારવા ‘જલ ઉત્સવ’ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ વડાપ્રધાને ભાર મૂક્યો હતો. પાણી સંરક્ષણને સતત જનઆંદોલનનું સ્વરૂપ મળે તે માટે સરકાર સાથે સમાજના દરેક વર્ગને જોડવો જરૂરી છે. પાણીનો બગાડ અટકાવવા અને ઉપલબ્ધ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા નવી ટેક્નોલોજી અપનાવવા પણ તેમણે હાકલ કરી હતી. ભારતીય ઉત્પાદકો અને હિતધારકોને નવી ટેક્નોલોજી વિકસાવવા પ્રોત્સાહન મળે તે માટે પ્રદર્શનો અને વર્કશોપ યોજવા તથા વિશ્વની શ્રેષ્ઠ પદ્ધતિઓમાંથી શીખવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી.

જળાશયોમાં જમા થતા કાંપને દૂર કરવાની ડીસિલ્ટિંગ કામગીરીને નિયમિત પ્રક્રિયા બનાવવાની પણ વડાપ્રધાને સૂચના આપી હતી. આ માટે સ્પષ્ટ માપદંડો અને SOP તૈયાર કરવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું. ડેમ સલામતી અંગે ચોમાસા પહેલાં જરૂરી તૈયારીઓ અને સાવચેતીના પગલાં પૂર્ણ કરવા સાથે લોકોમાં જાગૃતિ વધારવા પર પણ ભાર મૂકાયો હતો. શાળાના વિદ્યાર્થીઓમાં ડેમ સલામતી અંગે જાગૃતિ આવે તે માટે શિક્ષણક્રમમાં તેનો યોગ્ય સમાવેશ કરવાની ભલામણ પણ કરવામાં આવી હતી.

પાણી ક્ષેત્રે ડેટાના વધુ અસરકારક ઉપયોગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIની મદદ લેવાની પણ વડાપ્રધાને વાત કરી હતી. પાણી સાથે સંકળાયેલા વિવિધ ડેટાને એકસમાન ફોર્મેટમાં એકત્રિત, વ્યવસ્થિત અને વિશ્લેષિત કરવામાં આવે તો પાણીના આયોજનમાં વધુ ચોકસાઈ લાવી શકાય છે. એક રાજ્યમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સફળ થયેલા પ્રયોગોનો લાભ અન્ય રાજ્યોને મળે તે માટે ઇન્ટર-સ્ટેટ સ્ટડી વિઝિટ્સ યોજવા અને તેમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ તથા ખેડૂતોને જોડવા પણ સૂચન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના અનુભવનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે સુવ્યવસ્થિત આયોજન, પ્રતિબદ્ધતા, પૂરતા સંસાધનો અને સક્ષમ અધિકારીઓના સહકારથી પાણીની અછતને પણ તકમાં ફેરવી શકાય છે. સમિટ દરમિયાન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જળ માળખાકીય પ્રોજેક્ટ્સને ઝડપી પૂર્ણ કરવા, પાણી સંરક્ષણને સતત જનઆંદોલન બનાવવા, પીવાના પાણીના સ્ત્રોતોની લાંબા ગાળાની ટકાઉતા સુનિશ્ચિત કરવા તથા ગ્રામ્ય પીવાના પાણીની યોજનાઓના સંચાલન અને જાળવણીને સંસ્થાગત બનાવવાને મુખ્ય પ્રાથમિકતાઓ તરીકે રજૂ કરી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news