સરકારના હસ્તક્ષેપ બાદ અંકલેશ્વરના CETP પ્રોજેક્ટ મુદ્દે ઉદ્યોગકારોનું આંદોલન હાલ પૂરતું સ્થગિત, સોમવારે નિર્ણાયક બેઠક
- કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે GPCB માટે CC&A મંજૂરી આપવી સરળ નથી
- કોર્ટના સ્પષ્ટ નિર્દેશ વિના કોઈ પણ નિર્ણય લેવો કાયદાકીય રીતે બની શકે છે જોખમી?
- SEIAA સાથે ટેકનિકલ વિવાદ અને GPCB માટે કાનૂની મર્યાદા વાળા આ વિવાદમાં શું આવશે પરિણામ?
ગાંધીનગરઃ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન (AWMA) દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સામે શરૂ કરાયેલા આંદોલનમાં તાજેતરમાં નવો વળાંક આવ્યો છે. અંકલેશ્વરમાં પ્રસ્તાવિત અંદાજે 100 કરોડના CETP પ્રોજેક્ટને મંજૂરી આપવામાં થઈ રહેલા વિલંબને કારણે ઉદ્યોગકારોએ ગાંધીનગર ખાતે આમરણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. જોકે, રાજ્ય સરકારના હસ્તક્ષેપ અને હકારાત્મક આશ્વાસન બાદ ઉદ્યોગકારોએ હાલ પૂરતું આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

આ મુદ્દે AWMAના પ્રમુખ રમેશભાઈ ગાબાણીએ જણાવ્યું હતું કે આંદોલન દરમિયાન રાજ્યના પાણી પુરવઠા મંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન સરકારે આ મામલે યોગ્ય અને ઝડપી ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વધુમાં જણાવાયું હતું કે આગામી ગુરૂવારે મંત્રીશ્રી, GPCBના ઉચ્ચ અધિકારીઓ તથા સંકળાયેલા પક્ષો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં પ્રોજેક્ટ સંબંધિત ટેકનિકલ અડચણો દૂર કરવાની દિશામાં ચર્ચા કરવામાં આવશે.
રમેશભાઈ ગાબાણીએ ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટ માટે છેલ્લા એક વર્ષથી સતત પ્રયાસો થઈ રહ્યા છે. પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાયેલી ઇઝરાયેલી ટેકનોલોજી 70 ટકા સુધી કાર્યક્ષમ હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આગામી બેઠકમાં કોઈ સકારાત્મક પરિણામ નહીં આવે, તો ઉદ્યોગકારો ફરીથી આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પણ સુનાવણી હેઠળ છે. SCA નંબર 2129/2026 કેસમાં ન્યાયમૂર્તિ હેમંત એમ. પ્રચ્છક દ્વારા અગાઉ આપવામાં આવેલી વચગાળાની રાહત 02 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવી છે. જેના કારણે હાલની સ્થિતિ યથાવત રાખવામાં આવી છે.
ગાંધીનગર ખાતે આમરણ ઉપવાસ પર બેઠેલા ઉદ્યોગકાર મહેશ પટેલે આ સમગ્ર બાબતે પર્યાવરણ ટુડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા ધારાસભ્ય ઈશ્વરભાઈએ અને પાણી પુરવઠા મંત્રીએ એમની સાથે મીટિંગ કરીને આગળની કાર્યવાહી કરશે એવું આશ્વાસાન આપેલ છે. તેથી અમે તમામ ઉદ્યોગકાર મિત્રો સાથે આગળની કાર્યવાહી કેવી રીતના કરવી, શું વ્યુહરચના કરવી, ક્યારે આગળ કેવા પગલા લેવા તેના વિશે ચર્ચા કરીશું, કારણકે સરકારની વિનંતીને અમારે માન્ય રાખવી જોઈએ.

CETP પ્રોજેક્ટ વિશે મહેશ પટેલે વધુમાં ઉમેર્યું કે વર્ષ સુધી અમે આ પ્રોજેક્ટના NOC અને EC હતું અને કન્સાઈન્ટ માટે પ્રયત્ન કર્યો હતો. જો મંજૂરી આપી દીધી હોત તો અત્યારે પરિણામ પણ આવી ગયું હોત. કારણ કે ઈઝરાયેલ ટેકનોલોજી છે, તેને પણ 6 મહિના 70% ઈફલ્યુઅન્ટ (Effluent) સાથે પૂરવાર કરવા સમય આપવો પડે. આ કન્સાઈન્ટની અંદર જ આ CETP છે અને મેમ્બર ઇન્ડસ્ટ્રી જોડે ETL, NCTEL, ZLD આ બધી EC, NOC કન્સાઈન્ટો છે. તો એનો બી ત્રણ ચાર મહિના પેપર વર્ક કરવામાં ટાઈમ લાગે તો સામાન્ય રીતે આમાં કેવી રીતના આગળ વધવું? GPCBના અધિકારીઓ સાથે ચાલી રહેલી વાતચીત બાબતે તેમણે જણાવ્યું કે જીપીસીબીએ પણ કહ્યું છે કે મંત્રી સાથે સમય લઈ બેઠક થાય તેમાં તમને પણ બોલાવવામાં આવશે અને તેના પછી આગળનો નિર્ણય લઈ શકાશે.

કાનૂની દ્રષ્ટિએ જોવામાં આવે તો, કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે GPCB માટે CC&A (Consent to Establish & Operate) મંજૂરી આપવી સરળ નથી. SEIAA તરીકે ઓળખાતી સ્ટેટ એન્વાર્યમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી સાથેના વિવાદ તથા કોર્ટના અંતિમ નિર્ણયના અભાવે મંજૂરી પ્રક્રિયામાં વિલંબ સર્જાયો હોવાનું માનવામાં આવે છે. કોર્ટના સ્પષ્ટ નિર્દેશ વિના કોઈ પણ નિર્ણય લેવો કાયદાકીય રીતે જોખમી બની શકે છે.
હાલમાં રાજ્ય સરકાર આ કાનૂની ગૂંચવણમાંથી બહાર આવવાનો માર્ગ શોધી રહી છે. સોમવારે યોજાનારી બેઠકમાં એ મુદ્દે વિચારણા થવાની છે કે શું કોર્ટના ચુકાદાને અસર કર્યા વિના પ્રોજેક્ટને આગળ વધારી શકાય કે પછી કોર્ટ પાસેથી વિશેષ મંજૂરી મેળવી શકાય.
આ પરિસ્થિતિમાં હવે સૌની નજર સોમવારે યોજાનારી મહત્વપૂર્ણ બેઠક પર ટકેલી છે, જે આ સમગ્ર વિવાદનો આગળનો માર્ગ નક્કી કરશે.











