M/S. DCW દ્વારા ઘુડખર અભ્યારણ્યમાં ફેલાવામાં આવી રહેલા પ્રદૂષણ સામે જીપીસીબી દ્વારા શા માટે નથી કરાઈ રહી કડક કાર્યવાહી?
- સંરક્ષિત ઘુડખર અભ્યારણ્ય પ્રદૂષણના પગલે અસુરક્ષિત
- મે. ડીસીડબ્લ્યુને શું છાવરી રહી છે જીપીસીબી?
- વર્ષોથી ઘુડખર અભ્યારણ્યમાં પ્રદૂષણ ફેલાવી રહી છે ડીસીડબ્લ્યુ
- ધાગંધ્રાની ડીસીડબ્લ્યુ કંપનીનું જિલ્લા સ્તરની સમિતિ દ્વારા નિરીક્ષણ કરાશે, એનજીટીમાં સબમિટ કરાશે રિપોર્ટ
સુરેન્દ્રનગરઃ ગુજરાત દેશનું એક માત્ર એવું રાજ્ય છે, જે ઘુડખરની વસ્તી ધરાવે છે અને તેના સંરક્ષણ માટે કચ્છના નાના રણમાં અભ્યારણ્ય પણ ધરાવે છે. આ અભ્યારણ્યની અંદર અતિક્રમણ કરાઈ રહ્યું હોવાના સમાચાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં તા.03.01.2023ના રોજ પ્રકાશિત થયા હતા. જે સંદર્ભે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા સુઓ મોટો એક્શન લેવામાં આવ્યું હતુ. જંગલી ગધેડા કે જેને ઘુડખર તરીકે ઓળખવામાં આવે છે, જે કચ્છના નાના રણમાં જોવા મળે છે. આ વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે.
ઘુડખર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ સંરક્ષિત પ્રાણી છે. જેથી આ સંદર્ભે એનજીટી દ્વારા એક સમિતીની રચના કરી આ અંગેનો એહેવાલ સબમિટ કરાવવા માટે જણાવાયું હતુ. જે બાદ સમિતી દ્વારા રિપોર્ટ સબમિટ કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં સોડા એસ પ્લાન્ટ ધરાવતી મે. ડીસીડબ્લ્યુ દ્વારા હાલમાં જે કચ્છના નાના રણમાં કે જે પ્રતિબંધિત વિસ્તાર છે, તેમાં પ્લાન્ટનું અલ્કાઇન વેસ્ટ વોટરનો નિકાલ કરવામાં આવે છે. ટ્રીટેડ વેસ્ટ વોટર નિર્ધારિત વિસ્તારની બહાર જતું હતું, જે સમિતીના ધ્યાનમાં આવ્યું હતુ. જે ધ્યાનમાં આવ્યા બાદ સંબંધિત નિરીક્ષણના આધારે વડી કચેરી દ્વારા તેની સામે 30 દિવસની અસરથી નોટીસ પણ આપવામાં આવેલ.
તારીખ 13 ફેબ્રુઆરી, 2024ના રોજ નામદાર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં આ કેસની સુનાવણી હાથ ધરાતા નામદાર NGT દ્વારા મે. ડીસીડબલ્યુ માટે અવલોકન કરવામાં આવેલ છે કે જોઈન્ટ કમિટી દ્વારા મે. ડીસીડબ્લ્યુ લિમિટેડ દ્વારા છોડવામાં આવતા ટ્રીટેડ એફલ્યુન્ટનું મંજુર થયેલ અંતિમ ડિસ્ચાર્જ પોઇન્ટ પરથી સેમ્પલ લેવામાં આવેલ જેના એનાલિસિસ રિપોર્ટ અનુસાર તેની પીએચ 9.76 અને ટોટલ ડિઝોલ્ડ સોલીડની માત્રા 3,64,380 મિલી ગ્રામ પ્રતિ લિટરની હોવાનું જણાયેલ છે, જે તેના જીપીસીબી દ્વારા મંજુર થયેલ ધારા ધોરણ કરતાં ખૂબ જ વધુ છે. તેમ છતાં જીપીસીબી દ્વારા મે. ડીસીડબલ્યુ વિરૂધ્ધ શું પગલા લેવામાં આવ્યા તે જણાવવામાં આવેલ નથી. વાઇલ્ડ લાઇફ એન્ડ ફોરેસ્ટ ઓફિસ, ધાંગધ્રાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરે તેમના તારીખ 18.05.2023ના પત્રથી મે. ડીસીડબલ્યુ લિમિટેડને તેમના ગંદા પાણીને પ્રતિબંધિત ઘુડખર અભ્યારણમાં તાત્કાલિક અસરથી ફેલાતું બંધ કરવા જણાવેલ છે, આ આદેશનું પાલન કરવામાં આવેલ છે કે નહીં તેની સ્પષ્ટતા કરવામાં આવેલ નથી.
નામદાર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તેમના આદેશમાં જોઇન્ટ કમીટીને સ્થળ મુલાકાત કરી, તેમના હાલના સ્ટેટ્સ, જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતુ હોય તો, તેમની સામે કરવામાં આવેલ કાર્યવાહી સાથે ચાર અઠવાડિયામાં વિસ્તૃત અહેવાલ કરવા જણાવેલ છે.
જીપીસીબીના સભ્ય સચિવ અગાઉ વર્ષો સુધી આ વિસ્તારના યૂનિટ હેડના પદે કામગીરી બજાવેલ હોવાથી તેઓ મે. ડીસીડબલ્યુ લિમિટેડની રજે રજની માહિતીથી વાફેક હોવા છતા મે. ડીસીડબલ્યુ વિરૂધ્ધ જીપીસીબી દ્વારા કોઇ સખત કાર્યાવાહી હાથ ના ધરાતા આ ચર્ચાનો વિષય બનવા પામેલ છે. નામદાર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ હવે જીપીસીબી દ્વારા કોઇ સખત કાર્યાવાહી હાથ ધરાય શ્હે કે નહિ તે હવે જોવાનું રહ્યુ.