સાબરમતી રિવરફ્રન્ટને ૫ કિમી લંબાવવાં ૮૫૦ કરોડનો ખર્ચ કરાશે

સાબરમતી રિવરફ્રન્ટ વધુ લાંબો બનાવવા માટે સેકન્ડ ફેજ શરૂ કરવા માટેની આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. ૧૧ કિલોમીટર લાંબા રિવરફ્રન્ટને વધુ ૫ કિમી જેટલી લંબાઈ આપવામાં આવશે. આ સાથે, તેના માટે ૧૨૬ હેક્ટર જગ્યાનો ઉપયોગ કરવામાં આવશે.
સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ માટે તમામ રસ્તા અને બ્રિજ માટેની જગ્યાની ફાળવણી યોગ્ય રીતે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના આશ્રમરોડ નજીકનો વિસ્તાર ખૂબ જ વ્યસ્ત રહેતો વિસ્તાર છે. આ સાથે વ્યવસાયિક વિસ્તારમાં એલિસબ્રિજથી ઉસ્માનપુરા સુધીનો પણ સૌથી વ્યસ્ત વિસ્તાર છે. તો ત્યાં, આગળ કોમર્શિયલ હબ બનાવવા માટે તંત્ર વિચારણા કરી રહ્યું છે.

સાબરમતી રિવરફ્રંટના ડેવલોપમેન્ટ માટે શહેરના રિવરફ્રન્ટ વિસ્તારમાં ફૂટ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જાેકે, છેલ્લા ઘણા સમયથી ચાલતી આ કામગીરી પુર્ણ થતાં હજુ પણ ૪થી ૫ મહિનાનો સમયગાળો લાગી શકે તેમ છે. મહત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી રિવરફ્રન્ટના ડેવલોપમેન્ટ માટે ૮૫૦ કરોડનો વધારાનો ખર્ચ આગામી સમયમાં કરશે અને રિવરફ્રન્ટને વધુ ૫ કિલોમીટર વધારવામાં આવશે.