અલંગથી સ્વચ્છ ગંગા અભિયાનમાં જોડાવા ૬-જળસેવા વાહિની અને ૪-વોટર એમ્બ્યુલન્સનું વારાણસી ખાતે પ્રસ્થાન

ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વારાણસી ખાતેથી ગંગા નદીના શુદ્ધિકરણ માટે કટિબદ્ધ છે ત્યારે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાંથી નીકળતી ખાસ પ્રકારની અત્યાધુનિક બોટ ૬-જળસેવા વાહિની અને ૪-વોટર એમ્બ્યુલન્સનું વારાણસી મોકલવાનો કાર્યક્રમ ભાવનગર જિલ્લાના ત્રાપજ ખાતે  યોજાયો હતો.

ભાવનગર કેન્દ્ર સરકારના સ્વચ્છ ગંગા અભિયાન અન્વયે શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા) ભાવનગર, ગુજરાત શીપ બ્રેકર્સ એન્ડ એસોસિએટ્સ, અર્થકવેક રિલીફ ટ્રસ્ટ ભાવનગરના સૌજન્યથી બહુ હેતુલક્ષી ૬-જળસેવા વાહિની અને ૪-વોટર એમ્બ્યુલન્સનું વારાણસી ખાતે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે ગંગા નદીની સ્વચ્છતા, પાયલોટિંગ, પ્રવાસન, દરેક સાધનોથી સજ્જ એમ્બ્યુલન્સ, શબવાહિની વગેરે માટે ઉપયોગી થશે.

 

ભાવનગર જિલ્લાનાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઇ કમાણી, પૂર્વપ્રમુખ કિરીટભાઈ સોની, પૂર્વપ્રમુખ સુનિલભાઈ વડોદરિયા, પ્રાંત અધિકારી તળાજા વિકાસ રાતડા, અભયસિંહ ચૌહાણ, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો. (ઇન્ડીયા)ના હોદ્દેદારો, અલંગના ઉદ્યોગકારોની હાજરીમાં આજરોજ એચ.પી. પેટ્રોલ પંપ અલંગ-ત્રાપજ રોડ ખાતે લીલી ઝંડી આપી વારાણસી જવા માટે રવાના કરવામાં આવી હતી.