રાજ્યમાં ભારે વરસાદથી ૫૧ રસ્તા બંધ

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી  આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી  કરવામાં આવી છે. રાજ્યમાં ભારે ભારે વરસાદને લઈ ૫૧ રસ્તા બંધ છે. જેમાં પંચાયત હસ્તકના ૩૪ રસ્તાઓ બંધ છે. જૂનાગઢમાં સૌથી વધુ ૧૦ રસ્તાઓ બંધ છે. રાજકોટમા બે હાઈવે બંધ છે અને કચ્છમાં એક નેશનલ હાઈવે બંધ છે.