સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૪ દિવસ ભારે વરસાદની આગાહી

દેશ સહિત ગુજરાતમાં હવે મેઘરાજાની એન્ટ્રી થઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ્યાં આજથી વરસી શકે છે મૂશળધાર વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના અનુસાર આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. બીજા બાજુ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. તો અમદાવાદ સહિત રાજ્યમાં આગામી ૫ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. જુનાગઢના ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તાલાલા, ખીરધાર, બાકુલા ધણેજ, ધ્રાબાવડ, લાડુડી, દેવ ગામ, જેપુર સહિત અનેક ગ્રામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. તાલુકાભરમાં વાવણી લાયક વરસાદ પડવાથી ખેડુતોમાં ખુશીની લાગણી છવાઈ છે.

જુનાગઢના વિસાવદર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભારે વરસાદ પડ્યો છે. નાનાકોટડા, વાજડી, રૂપાવટી, ઉમરાળા,જૂની ચાવંડ, શીરવાણીયા સહિત આસપાસના ગ્રામ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક રોડ રસ્તાઓ પાણી પાણી થયા છે. જૂનાગઢ પંથકમાં ઠેર ઠેર વરસાદની સાથે ગિરનાર પર્વત પર પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને કારણે ગીરનાર પર્વતના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ નયનરમ્ય નજારો જોવા લોકો ગીરનાર તળેટીએ પહોંચ્યા છે. જિલ્લાના વિસાવદરમાં દોઢ કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ પડતા સોકોને ગરમીથી રાહત મળી. તો શહેરના રસ્તાઓ પર વહેતી નદી જેવા વરસાદી પાણી વહેતા થયા. તો આ બાજુ જુનાગઢના વિસાવદરમાં રેલવે અંડરબ્રિજમાં બસ ફસાઈ હતી.

ધોધમાર વરસાદના કારણે વિસાવદરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પરંતુ તેમ છતાં ધારી તરફ જતી ખાનગી બસના ચાલકે બસને અંડરબ્રિજમાં ઉતારી હતી. જે બાદ બસ અંડરબ્રિજમાં બંધ પડતા ફસાઈ ગઈ હતી. બસ ચાલકની બેદરકારીના કારણે પ્રવાસીઓના જીવ પણ જોખમમાં મુકાયા હતા.