કલોલમાં ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટમાં ૨ના મોત, ૪ ઘાયલ

ઘટના મામલે ગૃહમંત્રી શાહે માંગ્યો રીપોર્ટ, મૃત્યુ પામેલ લોકોને દિલાસો આપ્યોગાંધીનગરના કલોલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં સવારે અચાનક એક ઘરની નીચે મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં બે મકાન ધરાશાયી થયા હતા. આ ઘટનામાં ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે, ગેસ ફોલ્ટ કે અન્ય કારણોસર જમીનમાં ધડાકા થયો હશે, જેના કારણે આ દુર્ઘટના બની છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, ઘરની નીચેથી પસાર થઈ રહેલી ઓએનજીસી પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયો હોવાની લોકો આશંકા સેવી રહ્યા છે.

આ બ્લાસ્ટની ઘટનામાં ૩ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. બ્લાસ્ટ થવાનું સાચું કારણ હજુ અકબંધ છે. કાટમાળમાં દટાયેલા એક વ્યકિતની શોધખોળ હાલ ચાલુ છે. વહેલી સવારે થયેલા ધડાકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જે મકાન ધરાશાયી થયા તેની આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. ગાંધીનગર જિલ્લાના કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં બે મકાનોમાં સવારે મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની ઘટનામાં ૩ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે.

આ ઘટના વિશે જ્યારે સ્થાનિકોને પુછવામાં આવ્યું, ત્યારે લોકોએ જણાવ્યું હતું કે, બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારના મકાનના બારીના કાચ તૂટી ગયા હતા. અચાનક મકાન ધરાશાયી થતા બે લોકો દટાઇ ગયા હતા. જેમાથી એક વ્યક્તિને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અધિકારીઓનું કહેવું છે કે પાઈપલાઈન ONGCની નથી
કલોલમાં ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટનો મામલે ગાંધીનગરના કલેકટર કુલદીપ આર્યાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ છે. ઓએનજીસીની પાઇપલાઇન ત્યાંથી પસાર થતી નથી એવું અધિકારીનું કહેવું છે. ગુજરાત ગેસ, સાબરમતી ગેસની લાઈન ત્યાંથી પસાર થાય છે. કઇ કંપનીની ગેસ લાઇન છે તેની તપાસ ચાલું છે. હાલ ગેસ સપ્લાય બંધ કરવામાં આવી છે. જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામા આવશે.

રેન્જ આઇજી અભય ચૂડાસમા આ મામલે જણાવ્યું હતુ કે, વહેલી સવારે ધડાકા સાથે બે મકાન ધરાશાયી થયા છે બે મૃત્યુ થયા છે. સંભવતહ પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજને કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવે છે. ઓએનજીસીની પાઇપ લાઇન જતી હોય ત્યા જનરલી મકાન ના બની શકે એવો નિયમ છે. પણ એ તપાસ નો વિષય છે.

ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટમાં ૨ના મોત અને ઘાયલો સહિત મામલે રિપોર્ટ માંગ્યો છે અને દૂર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને દિલાસો આપ્યો હતો. તેમણે જિલ્લા વહિવટી તંત્ર સાથે વાત-ચીત કરી હતી અને આ ઘાયલોને તુરંત જ સારવાર મળે અને તેઓ સાજા થઈ જાય તેવી ગતિવિધિ પણ જોઈ હતી.