રાજ્યમાં એક મહિનામાં જ ૧,૦૫,૦૦૦ નવા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં યોજાઈ

ગુજરાતમાં કુલ ૭,૭૪,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા

રાજ્યની  કૃષિ યુનિવર્સિટીઓ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના મોડેલ ફાર્મ બનાવે  :  આચાર્ય દેવવ્રતજી

ત્રણ મહિનામાં ૧૦,૫૩,૯૮૫ ખેડૂતોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી

ખેડૂતોમાં જાગૃતિ અને સમાજના સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. જુલાઈ-૨૦૨૩ ના એક મહિનામાં જ રાજ્યમાં ૧,૦૫,૦૦૦ નવા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. હવે રાજ્યમાં કુલ ૭,૭૪,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ માટે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દરેક તાલુકામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિનું મોડેલ ફાર્મ બને. ઓછા ખર્ચે, સારી ગુણવત્તા અને શ્રેષ્ઠ પોષકતત્વોવાળું વધુ ખેત ઉત્પાદન જોઈને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત થશે.

રાજભવનમાં આજે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના મોડેલ ફાર્મ બનાવે અને વૈજ્ઞાનિકો વિશેષ સંશોધનો કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિના લાભોનો સાક્ષાત્કાર કરાવે એવો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેન્સર જેવા જીવલેણ રોગો અને બીમારીઓ નું પ્રમાણ વધતું જાય છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ રહી છે. પર્યાવરણ બગડ્યું છે, ગ્લોબલ વોર્મિંગનું સ્થાન ગ્લોબલ બોઈલીંગે લીધું છે. ભૂમિગત પાણી ઓછું થઈ રહ્યું છે. આવી તમામ સમસ્યાઓનું નિરાકરણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પન્ન થતા અનાજ, ફળ અને શાકભાજીમાં પોષણ મૂલ્યો પણ વિશેષ હોય છે. ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતીનું મૂલ્ય સમજીને તેને સ્વીકારી રહ્યા છે, એ માટે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી વધુને વધુ ગ્રામ પંચાયતોમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી ભણી વળી રહ્યા છે. ગુજરાતની ૬,૭૭૪ ગ્રામ પંચાયતો એવી છે જ્યાં ૭૫ થી વધુ કિસાનો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. સુરેન્દ્રનગર, મહેસાણા, દાહોદ, ભાવનગર અને ડાંગ જિલ્લામાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે.

સમગ્ર રાજ્યમાં ૧૦-૧૦ ગામોના ક્લસ્ટર્સ બનાવીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઘર આંગણે જઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. તારીખ ૧લીમે, ૨૦૨૩ થી આ પદ્ધતિથી ત્રણ મહિનામાં ૧૦,૫૩,૯૮૫ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. તાલીમ આપી રહેલા ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ અને ખેડૂત માસ્ટર ટ્રેનર્સ ખેડૂતોના ખેતરોમાં જઈને મુલાકાત લઈ રહ્યા છે અને ખેડૂતોને પ્રેક્ટીકલ પ્રશિક્ષણ આપી રહ્યા છે.

ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા (ગાંધીનગર), દેથલી (ખેડા), અંભેટી (વલસાડ), સણોસરા (ભાવનગર) અને મુન્દ્રા (કચ્છ) ના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કિસાન માસ્ટર ટ્રેનર્સ અને ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૧,૮૯૩ લોકોને અહીં તાલીમ આપવામાં આવી છે.