૧૦૪ હેલ્પલાઇન વાનમાં આગ લાગતા ચકચારઃ મોટી જાનહાનિ ટળી

રાજકોટમાં કોટેચા સર્કલ નજીક ૧૦૪ હેલ્પલાઇન વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આથી ડ્રાઇવરે સમય સુચકતા વાપરી વાન ઉભી રાખી દીધી હતી. બાદમાં વાનમાં રહેલો સ્ટાફ તુરંત જ બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટના આજે સવારના સમયે બની હતી.

આગને લઇને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. ફાયર ફાઇટરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. આગને પગલે ટ્રાફિકજામ થયો હતો. આથી પોલીસ દોડી આવતા ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

વિકરાળ આગ લાગતા ૧૦૪ હેલ્પલાઇનની વાન બળીને ખાખ થઇ ગઇ હતી. તેમજ અંદર રહેલી આરોગ્યના સાધનો અને ચીજવસ્તુઓ પણ બળીને ખાખ થઇ ગઇ હતી. આગ વિકરાળ હોવાથી ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જો કે, આ બનાવમાં કોઇ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.