નકલીની બોલબાલા, અસલી ગોતીલો… નકલી બિયારણનો પત્ર મુદ્દો ગાંધીનગર સુધી પહોંચતા જ રાજકારણમાં ગરમાવો

ગાંધીનગરઃ શું ગુજરાત રાજ્ય નકલી માફિયાઓનો બની ગયું છે ગઢ? નકલીની બોલબાલા, અસલી ગોતીલો… ક્યાં અને કેવી રીતે ગોતીલો એ ખબર પડતી નથી. રાજ્યમાં નકલી અને ભેળસેળયુક્ત ઘીના વેચાણે માઝા મૂકી છે. તહેવારોનો સમય હોવાથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરરોજ ક્યાંકને ક્યાંકથી નકલી ઘી, નકલી હળદર, નકલી મરચાનો જથ્થો પકડાઈ રહ્યો છે. નફાખોરો કાળી કમાણી માટે લોકોના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે રમત કરતાં પણ ખચકાતા નથી.

ગુજરાતમાં ખુલ્લેઆમ નકલીનો અસલી વેપલો ચાલી રહ્યો છે. ત્યારે હવે લોકોના ભોજન સાથે મજાક થઈ રહી છે. ગુજરાતમાં નકલી બિયારણનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ભાજપના સાંસદ રામ મોકરિયાએ કૃષિ મંત્રી લખેલા પત્રમાં ખુલાસો કર્યો છે. જેના પડઘા છેક ગાંધીનગર સુધી પહોંચ્યા છે. પત્ર બાદ કૃષિ મંત્રી દ્વારા તાત્કાલિક બેઠક બોલાવાઈ છે.

નકલી બિરાયણની ખેડૂતોની રાજ્યવ્યાપી ફરિયાદો બાદ ભાજપના સાંસદ મેદાનમાં આવ્યા છે. રામ મોકરિયાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને નકલી બિયારણ અંગે પત્ર લખ્યો છે. નકલી બિયારણ મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં સરકારને નકલી બિયારણના ધંધાર્થીઓ ખેડૂતોને લૂંટી રહ્યાંની ફરિયાદ કરવામાં આવી છે. રામ મોકરિયાએ નકલી બિયારણ માફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરી.

આ મુદ્દે રામ મોકરિયાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્યસ રકાર ખેડૂતો માટે અનેક યોજના લઈ આવે છે. સરકાર ખેડૂતોના હિતમાં કામ કરે છે. નકલી બિયારણથી પાક નિષ્ફળ થાય છે. આ માટે કાયદામાં સુધારો લાવવો જરૂરી છે, જેથી નકલી બિયારણ ન વેચાઈ શકે. મારી પાસે જે ખેડૂતોની રજુઆત આવી છે અને હું પણ ખેડૂત પુત્ર છું. કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે મારે વાત થયા પછી જ મેં પત્ર લખ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવી છે. અમુક વેપારીઓ નકલી સર્ટીફાઇડ બિયારણ વેંચતા હોવાથી ખેડૂતોને નુકસાન જાય છે. નકલી બિયારણ વેંચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. કડક કાયદો બનાવી આવા વેપારીઓના લાઇસન્સ પણ રદ્દ કરવા જોઈએ. જે વેપારી પકડાય તેની પાસેથી ખેડૂતોના નુકસાનની પણ ભરપાઈ કરાવવું જાઈએ. ઉત્તર ગુજરાતમાં નકલી બિયારણ વેંચાતું હોવાનું થોડું ધ્યાનમાં આવ્યું છે. સરકારની આંખ અને કાન બનીને મને જાણ થાય એટલે હું સરકારમાં રજૂઆત કરૂં છું. ખાદ્ય પદાર્થોમાં પણ ભેળસેળ અંગે મેં સરકારમાં રજૂઆત કરી છે. ખેડૂતોને નકલી બિયારણને કારણે નુકસાન જાય છે. પાણીનો બગાડ અને મહેનત તેમજ સમયનો વ્યય થાય છે.

ગુજરાતમાં નકલી બિયારણનું ધૂમ વેચાણ થતું હોવાનો ભાજપના સાંસદે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે નકલી બીજ માફીયાઓને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તો બીજી તરફ, રામ મોકરીયા નાનકલી બિયારણનો પત્ર મુદ્દો ગાંધીનગર સુધી પહોંચતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે બોલાવી અધિકારીઓની બેઠક બોલાવી છે. નકલી બિયારણ પકડવા અંગેની કામગીરી અને આવેલ ફરિયાદ સંદર્ભે ચર્ચા થશે. ખેડૂતોને પણ બિલ વગર કોઈ બિયારણ ન ખરીદવા અપીલ કરાઈ છે.

કોંગ્રેસના નેતા મનહર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં નકલી-હલકા અને અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચાઈ છે અને ખેડૂતો આર્થિક નુકશાન ભોગવે છે, તેની ચિંતા ભાજપા સાંસદની વાજબી છે. રાજ્યમાં નકલી-હલકા અને અનઅધિકૃત બીટી કપાસ બીજ ખેડૂતોને પધરાવીને – છેતરીને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા બીજ બુટલેગરો હવે ભાજપ સાંસદની નજરમાં પણ આવ્યા છે. તેમની ભાવના વાજબી છે પરંતુ આ કિસ્સો ભાજપ-કોંગ્રેસનો નથી. આપણા રાજ્યના અન્નદાતાઓનો છે, તમામ ધારાસભ્ય અને સાંસદ બાહર આવે. ગુજરાત રાજ્યમાં નકલી-હલકા અને અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતાં બીજ માફિયા-બીજ બુટલેગરોને નાથવા માટે કોંગ્રેસ પક્ષે ૬થી વધુ વાર કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને વિનંતી પત્રો લખ્યા છે. પરંતુ આ ભાજપા સરકારને ખેડૂતોની પીડા અને પરેશાની કોઇ પરવાહ નથી.