હવા દ્વારા ફેલાય છે કોરોના વાયરસ, લાન્સેટના રિપોર્ટમાં ચોંકાવનારા દાવા

ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોના મહામારીનો પ્રકોપ ફરીથી ફેલાઈ રહ્યો છે. સાથે જ આ વાયરસ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે અને ભારતમાં આ સ્થિતિ ખૂબ જ ભયાનક બની ચુકી છે. આ બધા વચ્ચે પ્રસિદ્ધ જર્નલ ધ લાન્સેટે કરેલા દાવા પ્રમાણે મોટા ભાગનું ટ્રાન્સમિશન હવાના રસ્તે થઈ રહ્યું છે.

ઈંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના ૬ નિષ્ણાંતોએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમના કહેવા પ્રમાણે વાયરસ હવા દ્વારા નથી ફેલાતો તે સાબિત કરવા પૂરતા પુરાવા નથી. જો કે, મોટા ભાગના વૈજ્ઞાનિકો એવું જ માને છે. નિષ્ણાંતોએ નવા રિપોર્ટના આધાર પર કોવિડ-૧૯ સુરક્ષા પ્રોટોકોલમાં તાત્કાલિક ફેરફાર કરવા સૂચન કર્યું છે.

ધ લાન્સેટના રિપોર્ટમાં વાયરસ હવા દ્વારા ફેલાઈ રહ્યો હોવાના ૧૦ કારણો પણ રજૂ કરવામાં આવ્યા છે. અહેવાલ પ્રમાણે ક્વોરેન્ટાઈન હોટેલ્સમાં બાજુ બાજુના રૂમમાં રહેતા લોકો એકબીજાના રૂમમાં નહોતા ગયા તેમ છતા તેમનામાં આ ટ્રાન્સમિશન જોવા મળ્યું હતું. નિષ્ણાંતોના મતે આઉટડોરની તુલનાએ ઈનડોરમાં વાયરસનું ટ્રાન્સમિશન વધારે થાય છે. જો ઈનડોરમાં વેન્ટિલેશન હોય તો આ સંભાવના ઘટી જાય છે.

હોસ્પિટલોમાં જોવા મળતું નોસોકોમિયલ સંક્રમણ એવી જગ્યાએ પણ જોવા મળ્યું જ્યાં હેલ્થકેર પ્રોફેશનલ્સે પીપીઈ કીટનો ઉપયોગ કર્યો હતો. પીપીઈ કીટને કોન્ટેક અને ડ્રોપલેટથી સુરક્ષિત બનાવવામાં આવી હતી પરંતુ હવાના રસ્તાથી બચવા કોઈ પદ્ધતિ નથી.

જો નિષ્ણાંતોના આ નવા દાવાને સ્વીકારી લેવામાં આવે તો સમગ્ર વિશ્વની કોરોના વિરૂદ્ધની રણનીતિ પર ભારે અસર પડી શકે છે. તેનાથી લોકોએ પોતાના ઘરની અંદર પણ માસ્ક પહેરવું પડી શકે છે, કદાચ દરેક સમય માટે.