મુંબઈ મનપા હવામાં ૪૩ મેટ્રિક ટન ઑક્સિજનનું ઉત્પાદન કરશે

ઑક્સિજનની સતત વધી રહેલી માગણી વચ્ચે મુંબઈ મહાનગરપાલિકાએ હવે જાતે ઑક્સિજનનું ઉત્પાદન કરવાનો ર્નિણય લીધો છે, તે મુજબ ૧૨ હૉસ્પિટલમાં કુલ ૧૬ ઑક્સિજન ઉત્પાદન કરવાનો પ્રોજેક્ટ આગામી એક મહિનામાં ઊભા કરવામાં આવવાનો છે. હવામાંથી ઑક્સિજનનું ઉત્પાદન કરીને દરરોજ ૪૩ મેટ્રિક ટન ઑક્સિજન તૈયાર કરવામાં આવશે, તેથી મુંબઈના કોરોનાના દર્દીને રાહત મળવાની શકયતા છે.

કોરોનાની બીજી લહેરમાં ઑક્સિજનની જરૂરિયાત રહેલા દર્દીની સંખ્યા વધી રહી છે. અસરગ્રસ્ત દર્દીઓના ફેંફસામાં લાગનારો ચેપ વધુ હોવાથી તેને વધુ ક્ષમતાએ (લિટર પ્રતિ મિનિટ) ઑક્સિજન આપવો પડે છે પણ ઑક્સિજન ઉત્પાદક અને ટ્રાર્ન્સપોટેશનની ક્ષમતા અને ઑક્સિજન ઉત્પાદન, પુરવઠો વગેરેમાં રહેલી મર્યાદાને કારણે માગણી અને પુરવઠા વચ્ચે તાલ-મેલ લાવવામાં રાજ્ય સરકાર અને પાલિકા પ્રશાસનને નાકે દમ આવી ગયો છે.

તેની અસર મુંબઈને મોટા પ્રમાણમાં થઈ છે. છેલ્લા થોડા દિવસથી ખાનગી અને પાલિકા હૉસ્પિટલમાં ઑક્સિજન પૂરો થઈ જવાથી દર્દીઓને અન્ય હૉસ્પિટલમાં સ્થળાંતર કરવા પડી રહ્યા હોવાના બનાવ બની રહ્યા છે. તેથી પાલિકા અને તબીબી યંત્રણા પર તાણ વધી રહી હોવાથી પાલિકાની હૉસ્પિટલમાં જાતે જ ઑક્સિજનનું ઉત્પાદન કરવાનો પ્રોજેક્ટ ઊભો કરવાનો ર્નિણય પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે લીધો છે.

આ પ્રોજેક્ટ ઓછામાં ઓછા ૧૫ વર્ષ અને વધુમાં વધુ ૩૦ વર્ષ ચાલી શકશે. કુલ ખર્ચ અંદાજે ૯૦ કરોડ રૂપિયા જેટલો અપેક્ષિત છે. આ પ્લાન્ટમાંથી નિર્માણ થનારા ઑક્સિજનનો પ્રતિ ઘનમીટર દર લિક્વિડ ઑક્સિજન દર જેટલો જ છે. તો જમ્બો સિલિન્ડરની તુલનામાં અર્ધાથી પણ ઓછો છે. તેથી પાલિકાના આર્થિક ખર્ચમાં બચત થશે.

પાલિકાની વિવિધ હૉસ્પિટલમાં, કોવિડ સેન્ટરમાં ઑક્સિજન નિર્માણ કરવાનો પ્રોજેક્ટ કાયમી સ્વરૂપે ઊભા થઈ ગયા તો ઑક્સિજન સિલિન્ડર સંભાળવાની અને ભરવાની ઝંઝટથી છૂટકારો મળશે અને તેને કારણે યંત્રણા પરનો ભાર ઓછો થવામાં મદદ મળશે એવો દાવો એડિશનલ કમિશનર પી.વેલરાસૂએ કર્યો હતો.

તાવરણમાંથી હવા શોષીને પી.એસ.એ. ટૅક્નોલોજીનો ઉપયોગ કરીને દર્દીને ઑક્સિજનનો પુરવઠો કરતા સમયે સૌ પ્રથમ પ્લાન્ટમાં યોગ્ય દબાણથી હવાને કૉમ્પ્રેસ કરવામાં આવે છે. ત્યારબાદ તે હવાને શુદ્ધ કરવામાં આવે છે. તેથી હવામાં રહેલા અશુદ્ધ ઘટકો જેવા કે ધૂળ, તેલ, ઈંધણના અતિસૂક્ષ્મ કણ, અન્ય અયોગ્ય ઘટકોને ગાળીને અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ ઉપલબ્ધ થયેલી શુદ્ધ હવા ‘ઑક્સિજન જનરેટર’માં નાખવામાં આવે છે. જેમાં રહેલા ઝિઓલીટર નામના રસાયણયુક્ત મિશ્રણ દ્વારા આ શુદ્ધ હવામાંથી નાયટ્રોજન અને ઑક્સિજન બંને વાયુને અલગ કરવામાં આવે છે. અલગ કરવામાં આવેલા ઑક્સિજનને યોગ્ય દબાણ સાથે સ્વતંત્ર રીતે એકઠો કરવામાં આવે છે. ત્યાંથી તે પાઈપલાઈનથી દર્દીઓને પહોંચાડવામાં આવશે.