વિનાશકારી વાવાઝોડાઃ ખૂદ માનવજાતનું હાથના કર્યાનું પરિણામ છે કે શું…..?

દેશમાં કોરોના મહામારીએ  સમગ્ર દેશના લોકોને હચમચાવી નાખ્યા છે તો અનેકોને અધમૂઆ કરી નાખ્યા છે. આવા કપરા કાળમાં વાવાઝોડાએ ત્રાટકીને મોટાભાગના દરિયાકિનારા વિસ્તારોને ધમરોળી નાખી ભારે તબાહી મચાવવા સાથે કુદરતી સંપદ્દાને પણ ભારે પ્રમાણમાં નુકસાન પહોંચાડયું છે. તેમજ માનવ વસાહતોને તહસ નહસ કરવા સાથે સમગ્ર જનજીવનને પણ ખરાબે ચડાવી દેવા સાથે અનેક વિસ્તારો ઠપ્પ કરી નાખ્યા અને સરકારી તંત્રને ચારે તરફ દોડતું કરી દીધું…. કોરોના મહામારી સારવાર કેન્દ્રોને પણ ભારે અસર કરી… તેમજ રસીકરણને અટકાવી દેવાની ફરજ પાડી.

વાવાઝોડાના કારણે મોટા પ્રમાણમાં માનવીને ઓક્સિજન આપતા વૃક્ષો ધરાશાઈ થઈ ગયા,હજારો મકાન-ગરીબોના ઝૂપડાઓ ધ્વસ્ત થઈ ગયા, રસ્તાઓને ભારે નુકસાન કર્યું,અનેક રોડ રસ્તા બંધ થઇ ગયા, હજારો વીજ થાંભલાઓ જમીનદોસ્ત થઇ જતા અનેક ગામોમાં અંધારપટ છવાઇ ગયો, તો અનેક વીજ સબ સ્ટેશનો બંધ થઈ ગયા… તેમાં પણ કેટલાક ઉભા કરેલા સબરસ  કોવિડ સેન્ટરો  ધરાશાયી થઇ ગયા.આ વાવાઝોડું ત્રાટકવાનુ કારણ  સમગ્ર વિશ્વની માનવજાત છે. વિશ્વમાં વિવિધ પ્રકારે અનેકવાર વાવાઝોડા ત્રાટક્યા છે, તો જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ ઘટી છે જેને કારણે મોટા પ્રમાણમાં કુદરતી સંપદા સહિતને ભારે નુકસાન થયું છે.આ બધુ છતાં વિશ્વના દેશો આ ખાના-ખરાબી અટકાવવા જરૂરી પગલા લેતા નથી…..!!

વિશ્વના દેશોની બેઠકો યુનો ખાતે યોજાય છે તેમાં મોટી મોટી વાતો થાય છે પરંતુ નક્કી કરેલ બાબતનો અમલ કરવામાં મોટા ભાગના દેશો અબુધ બની રહે છે…..! ગ્લોબલ વોર્મિંગની આગળ વધતુ રોકવા  કે તેને અટકાવવા વિશ્વના દેશોની બેઠકો યુનો ખાતે અવારનવાર યોજાય છે અને તેમાં અનેક પ્રકારની ચર્ચાઓ થાય છે પરંતુ જે કાઈ પોત પોતાના દેશમાં એક્શન લેવાના હોય છે તેનો અમલ થતો નથી… પરિણામે એક પછી એક  આવતા વાવાઝોડા વિનાશકારી બનતા જઈ રહ્યા છે.વિશ્વના મોસમ તજજ્ઞો પણ કહી રહ્યા છે કે વાતાવરણમાં થયેલા ફેરફાર માટે માનવ જાત ખુદ જવાબદાર છે… ક્લાઈમેટ ચેન્જને કારણે બર્ફિલા વિસ્તારોનો બરફ ઓગળવા લાગ્યો છે,સમુદ્રની જળ સપાટી વધવા સાથે સમુદ્ર વધારે ગરમ થઇ રહ્યા છે જે કારણે સામાન્ય વાવાઝોડું પણ ભારે શક્તિશાળી બની જાય છે અને મોટી તબાહી સર્જે છે…..!

વિશ્વના દેશોમા વિકાસની દોડ વધી પડી છે તો એક બીજા દેશો વચ્ચે શસ્ત્ર સરંજામ સહિતની વિકાસની સ્પર્ધાઓ વધી પડી છે જે કારણે અડાબીડ જંગલો, ઓક્સિજન આપતા વૃક્ષો, કૃષિ ક્ષેત્રો અને તેની જમીનોનું નિકંદન કાઢી નાખી સિમેન્ટ કોંક્રિટના જંગલો કરવામાં સતત દોડતા થઇ ગયા છે. બીજી તરફ  કાર્બન ઓકતા,સતત જળ- વાયુ પ્રદૂષણ ઓકતા ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને સમગ્ર વિશ્વને ગ્લોબલ વોર્મિંગ તરફ ધકેલી દીધું છે. એક અંદાજ અનુસાર વિશ્વના દેશો દર વર્ષે માનવજાતને ઓક્સિજન આપતા ૧૫ કરોડ વૃક્ષોનું નિકંદન કાઢતા રહ્યા છે… જેથી ભવિષ્યમા ઓક્સિજનની અછત પણ સર્જાય તેવો સમય પણ આવી શકે…..! આપણે સામે દેખાતા નુકશાનની ગણતરી મોટાપાયે કરીએ છીએ પરંતુ માનવ જાતને અતિ ઉપયોગી ઓક્સિજન આપતા વૃક્ષોનું નિકંદન કાઢી નાખીએ છીએ તે સાથે જીવન જંતુ,વિવિધ પશુ- પક્ષીઓનુ પણ નિકંદન નિકળી જાય છે તેનાથી થતા નુકસાનને ગણત્રીમાં લેતા નથી. એક વૃક્ષ એક વર્ષમાં ૨૧.૭ કિલો કાર્બન શોષી લઈને સામે એટલો જ ઓક્સીજન આપે છે…. જેનાથી ચાર માનવી જીવી શકે છે. પરંતુ આ વાતને કોઈ દેશ સમજવા તૈયાર નથી. તે સાથે રોગ પેદા કરતા જીવોનું ભક્ષણ કરતા જીવ જંતુ, પશુ પક્ષી વગેરેનું વૃક્ષો તથા જંગલોના સફાયા સાથે અનેકવિધ જીવોનું પણ નિકંદન થઈ રહ્યું છે… જેના પરિણામો ઘણા લોકો વિવિધ રોગચાળા રૂપે અનુભવી રહ્યા છે અને ભોગવતા રહે છે અને આ આડકતરી રીતે થતા નુકશાનની નોંધ લેવાતી નથી. 

ગ્લોબલ વોર્મિંગથી બચવા, મહા વીનાશોથી બચવા વિશ્વના દેશોએ વાયુ પ્રદૂષણ ઓકતાં તમામ પ્રકારના ઉદ્યોગો બંધ કરી દેવા સાથે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા તરફ વળવું પડશે નહીં તો આવનાર વિનાશને કોઈ પણ દેશ રોકી નહી શકે…..! ત્યારે એક અગત્યની જરૂરી વાત…. કે જે કોરોના દર્દી ઓક્સિજન મળી જતા બચી ગયા છે તેઓ એક- એક વૃક્ષનુ વાવેતર કરી તે વિશાળ વૃક્ષ બને તેમ કરે, તેમજ ઓક્સિજનના અભાવે જેમણે પોતાના સ્વજન કે નજીકનાને ગુમાવ્યા છે તેઓ મૃતકની સ્મૃતિરૂપે તેનો પરિવાર એક વૃક્ષનું વાવેતર કરી તેનું જતન કરે તો તેનાથી સ્વચ્છ હવા, પાણી, વરસાદ, ઠંડક સહિતના અનેક પ્રકારના લાભ માનવજીવનને થઈ શકે છે.આ બાબતનો અમલ કરવા આજનો માનવી કરશે કે કેમ….?