શા માટે કાશ્મીરના બેટ ઉત્પાદકો વિલોના વૃક્ષના વાવેતર માટે કરી રહ્યાં છે અપીલ

શ્રીનગરઃ કાશ્મીરમાં બેટ ઉત્પાદકોએ ઉદ્યોગને બચાવવા માટે મોટા પાયે વિલો વૃક્ષારોપણ શરૂ કરવા માટેસરકારને વિનંતી કરી છે.

તાજેતરના વર્ષોમાં કાશ્મીરમાં ક્રિકેટ બેટની માંગ ખર્ચ અસરકારકતાને કારણે વધી છે. કાશ્મીરના ક્રિકેટ બેટ ઉત્પાદકોએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષોમાં સરકારી જમીન પર વિલોના વૃક્ષોનું મોટા પાયે વાવેતર થયું નથી, જેના પરિણામે પુરવઠો ઘટી રહ્યો છે. 

“છેલ્લા કેટલાક વર્ષોથી, અમે પુરવઠાની અછત સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ, અને અમને ડર છે કે આ કારણે અમારે અમારો વ્યવસાય બંધ કરવો પડશે,” બેટ ઉત્પાદકોએ જણાવ્યું હતું.

આ ઉદ્યોગ લગભગ 1.5 લાખ કામદારોને રોજગારી આપે છે, જેમાંથી 70 ટકા મેરઠ, ઉત્તર પ્રદેશ અને પંજાબના અને 30 ટકા કાશ્મીરના છે અને 300 કરોડથી વધુની આવક પેદા કરે છે.

બેટ ઉત્પાદકોએ સરકારને એક પત્ર લખ્યો હતો કે “અમારી પાસે લગભગ નવ હજાર 150 હેક્ટર વેટલેન્ડ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ ફક્ત વિલોના વૃક્ષો વાવવા માટે જ થઈ શકે છે, કારણ કે વેટલેન્ડમાં વિલોના વૃક્ષ સિવાય બીજું કોઈ વૃક્ષ ઉગતું નથી. જો કેનેડા અને પાકિસ્તાનની જેમ કાશ્મીરમાં મોટા પાયે વૃક્ષારોપણની ઝુંબેશ શરૂ કરવામાં આવે તો જમ્મુ અને કાશ્મીર કાચા માલના ભંડારમાં આત્મનિર્ભર બનશે અને આ ઉદ્યોગને સદીઓ સુધી ટકી રહેવામાં મદદ કરશે.