થરાદ-વાવ હાઈવે પર કેનાલની પાઈપલાઈનમાં ભંગાણ થતાં પાણીનો વ્યય

વાવ થરાદ હાઇવે પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ જોવા મળ્યો. સરહદીય બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતું હોય છે. ત્યારે રવિવારની રાત્રે વાવ-થરાદ હાઇવે પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું.

થરાદથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની અંદર લોખંડનો પુલ બનાવવાની કામગીરી દરમિયાન પીવાના પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાયુ હોવાનું સામે આવ્યું છે. બે રીએક્ટર પસાર કરવા માટે નર્મદા કેનાલમાં ૪ કરોડના ખર્ચે અસ્થાઈ લોખંડનો પુલ બનાવવામાં આવી રહ્યો છે. પુલની કામગીરી દરમિયાન કેનાલની બાજુમાં રાત્રી દરમિયાન ખોદકામ કરતાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાની સાથે જ થરાદ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે પીવાના પાણીની તંગી સર્જાઈ હતી. સ્થાનિક લોકો દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા પાણી પુરવઠા વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી પાઇપલાઇનને રીપેર કરવાની કામગીરી હાથ ધરી છે.