અર્બન-૨૦ઃ બેઠકના કૉર એજન્ડામાં ક્લાઇમેટ પણ સામેલ

અમદાવાદમાં આગામી મહિને યોજાના અર્બન-૨૦ બેઠકની મુખ્ય ૬ પ્રાથમિકતાઓમાં ક્લાઇમેટ ફાયનાન્સની સાથે પર્યાવરણના જતનનો પણ સમાવેશ થાય છે. રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવેલી ૫મી વૃક્ષ ગણતરી અનુસાર રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં ૧૪.૬૫ કરોડનો વધારો થયો છે. આ ગણતરીના તારણો મુજબ રાજ્યમાં વૃક્ષોની સંખ્યા ૩૯.૭૫ કરોડ છે. ૨૦૨૧માં કરવામાં આવેલી મોજણી મુજબ રાજ્યમાં સૌથી વધારે વૃક્ષ આણંદ જિલ્લામાં આવેલા છે. રાજ્યમાં ટ્રી કવરનું પ્રમાણ ૨૦૦૧માં ૨.૦૬ ટકાથી વધીને ૨૦૧૯માં ૬.૧૧ ટકા થયું છે. જ્યારે ગ્રીન કવરની દૃષ્ટિએ જોઈએ તો રાજ્યમાં ગ્રીન કવરનું પ્રમાણ ૧૧.૫૨ ટકા છે. જેનું એક મોટું કારણ મોટો રણ પ્રદેશ પણ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ૩૦ વર્ષમાં વન વિસ્તારમાં ૨૯૫૦ ચોરસ કિમીનો વધારો થયો છે. ૧૯૯૧માં ૧૧,૯૦૭ ચો.કિમી વન વિસ્તાર હતો જે વન વિભાગના પ્રયાસોને કારણે ૨૦૧૯માં વધીને ૧૪,૮૫૭ ચો.કિમી થયો છે. રાજ્યમાં પ્રતિ હેક્ટર દીઠ વૃક્ષોની સંખ્યા ૨૦૦૧માં ૨ હતી જે વધીને ૨૦૧૯માં ૫૦ થઈ છે.

અમદાવાદના હાથીજણ નજીક ૭૦૨ વર્ષ જૂનો વડલો આજે પણ જીવંત

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં દોઢ વિઘા વિસ્તારમાં ફેલાયેલો વિશાળ વડલો આવેલો છે. આ વડની ઉમર ૭૦૨ વર્ષ હોવાનું માનવામાં આવે છે. વડની વડવાઈઓ ફેલાઈ હોવાથી તે ઘેઘૂર બન્યો છે.

અર્બન-૨૦માં ક્લાઇમેટ ફાયનાન્સ પર ફોકસ રહેશે

શહેરોમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન પર નિયંત્રણ માટે પગલાં ભરી શકાય એ હેતુસર અર્બન-૨૦ બેઠકમાં ક્લાઇમેટ ફાયનાન્સ મહત્તની પ્રાથમિકતાઓમાં સામેલ છે. બેઠકમાં ખાસ કરીને કચરાના નિકાલ, જળસ્ત્રોતોનું જતન, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રીક વ્હીકલ્સ, પબ્લિક ટ્રાન્સપોર્ટ તથા ગ્રીન બિલ્ડિંગ જેવા ૬ અર્બન સેક્ટર્સમાં રોકાણ પર જોર રહેશે. આ ક્ષેત્રોમાં ૨૦૩૦ સુધીમાં કુલ વાર્ષિક વૈશ્વિક રોકાણ ૨.૫ ટ્રીલિયન ડૉલર થઈ જવાનો અંદાજ છે.