આગામી ૭૨ કલાક દરમિયાન કમોસમી વરસાદ કે માવઠું થવાની આગાહી : અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર

રાજ્યમાં આગામી ૭૨ કલાક દરમિયાન કમોસમી વરસાદ કે માવઠું થવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. આ સિવાય તાપમાનમાં પણ મોટા ફેરફારની શક્યતા નથી. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ગુરુવારે કરેલી આગામીમાં આગામી ૫ દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહી થવાની સંભાવના વ્યક્ત કરી છે. ડૉ. મોહંતીએ તાપમાન એકાદ ડિગ્રી વધી કે ઘટી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જોકે, ગુજરાતમાં તાપમાનનો પારો ૪૦ પર પહોંચી ગયો છે, અઠવાડિયાની શરુઆતમાં પારો ૪૦ને પાર પહોંચી ગયો હતો પરંતુ ફરી એકવાર વાદળછાયું વાતાવરણ સર્જાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. જોકે, હવે બપોરથી સાંજ સુધી ગરમીની શરુઆતનો અનુભવ થવા લાગ્યો છે. બપોરના સમયે બહાર ફરી રહેલા લોકોને આકરો તડકો લાગી રહ્યો છે. માર્ચ મહિનો માવઠાવાળો રહ્યો છે તે રીતે એપ્રિલની શરુઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્‌યુલેશનની અસર રાજ્યના હવામાન પર પડી રહી છે. જેના કારણે અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થયો હતો. જોકે, હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર ઘટતા હવામાન સૂકું થઈ રહ્યું છે અને ગરમીનો પારો ઊંચો ચઢી રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં અમરેલી, દ્વારકા અને કેશોદમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ પર પહોંચી ગયો હતો. આજે રાજ્યમાં ક્યાંય માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી જેના કારણે હવામાન સૂકું રહેવાની અને ગરમી અનુભવાશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

જોકે, ગરમી અંગે કોઈ પણ પ્રકારનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું નથી. રાજ્યના અન્ય ભાગોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભૂજમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયા અને કેશોદમાં ૨૨ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના હવામાન અંગે અંબાલાલ પટેલે પણ કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ જણાવે છે કે, એપ્રિલ માસમાં દેશના ઉત્તર પર્વતિય પ્રદેશોમાં, હિમાલયમાં જો ભારે હિમવર્ષા થશે અને મે મહિનો બરાબર ગરમ નહીં રહે તો વરસાદનું ગણિત બગડી શકે છે, પરંતુ બંગાળના ઉપસાગરમાં જોવા જઈએ તો ૨ મેથી ૧૫ જૂન વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. જેના લીધે વરસાદની સ્થિતિ સારી રહી શકે છે. આ સિવાય તેમણે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ છે. જે ઓમાન તરફ ફંટાઈ શકે છે. પણ હવાનું દબાણ મજબૂત હશે તો કચ્છના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં સારો વરસાદ થઈ શકે છે. આગાહી પ્રમાણે વરસાદ રહેશે તો ખેડૂતો માટે ફાયદારૂપ થઈ શકે છે.

અંબાલાલે વધુમાં જણાવ્યું કે, જો સાનુકૂળ સ્થિતિ બનેશે તો કચ્છમાં ૪૦૦ મિલિમીટરથી વધારે વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, વાવાઝોડું કેવું છે તેના પર બધો આધાર રહેલો છે. એટલે શરુઆતનું ચોમાસું સારો વરસાદ લઈને આવી રહ્યો હોય તેમ હું માનું છે. આ વર્ષે ચોમાસું સારું રહેવાની અગાઉ પણ તેમણે શક્યતાઓ વ્યક્ત કરી હતી. આ સિવાય અંબાલાલે ૨૦૨૩ના ચોમાસામાં જુલાઈના મધ્યથી ઓગસ્ટ સુધી વરસાદ ખેંચાવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. આ દરમિયાન ઓછો વરસાદ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. જેના કારણે ખેડૂતોએ પિયત વ્યવસ્થાઓ પણ કરવી પડશે. જૂન મહિનામાં સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ થવાની તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે.