વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત દેશનું ગ્રીન હાઇડ્રોજન હબ બનવા સજ્જ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત આજે એક બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ જ નહીં, પરંતુ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન રીન્યુએબલ એનર્જી તરીકે ઊભર્યુ છે : ઊર્જા મંત્રી

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યુનિ. ઓફ કેલિફોર્નીયા, બર્કલે અને ગુજરાત સરકાર, જીએસપીસી અને ગિફટ સીટી, એનટીપીસી અને જીએસપીસી તેમજ જીએસપીસી અને જીપીસીએલ વચ્ચે MOU


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટની દસમી કડીનાં ત્રીજા દિવસે ‘‘ગુજરાત- ધ ગ્રીન હાઈડ્રોજન હબ’’ સેમિનારમાં જણાવ્યું કે વડાપ્રધાનનાં માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રીન હાઈડ્રોજન હબ બનાવા માટે સજ્જ છે. સરકારે ગ્રીન હાઈડ્રોજનનાં ઉત્પાદન માટે ખાસ લેન્ડ પોલિસી બનાવી છે અને કચ્છ તથા બનાસકાંઠા જિલ્લામાં 2 લાખ હેક્ટરની વેસ્ટ લેન્ડ ફાળવી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાને દેશમાં ફ્યુચરીસ્ટીક એનર્જીં ડિમાન્ડને પહોંચી વળવા માટે ક્લીન અને ગ્રીન એનર્જી દ્વારા ગ્રીન ગ્રોથ પર ભાર મૂક્યો છે. ગુજરાત વડાપ્રધાનના આ વિઝનને સુસંગત ગ્રીન ગ્રોથ માટે પ્રતિબદ્ધ છે. આ હેતુસર આગામી પાંચ વર્ષ માટે ગ્રીન ગ્રોથ સેક્ટર માટે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

વિશ્વમાં ઉર્જાની માંગને પહોંચી વળવા માટે ફોસીલ ફ્યુઅલ પરનું ભારણ ઘટાડવા વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, માનવજાતનાં કલ્યાણ માટે આપણે એનર્જી ઓલ્ટરનેટિવ શોધવા આવયશ્યક છે અને ગ્રીન હાઈડ્રોજન દ્વારા ઊર્જા સુરક્ષા, ક્લીન એનર્જી અને નેટ ઝીરો ત્રણેય લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘‘ગુજરાત- ધ ગ્રીન હાઈડ્રોજન ડેસ્ટીનેશન ઓફ ગુજરાત સેમિનાર’’ સેમિનાર દ્વારા નવી ટેકનોલોજી, પોલિસી ફ્રેમિંગ માટેનાં સૂચનો રાજ્ય માટે ઉપયોગી થશે અને ગુજરાતને ભારતની ઊર્જા સમૃદ્ધિનું દ્વાર બનવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સેમિનારમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશના સૌથી લાંબા દરિયા કિનારા સાથે જળમાર્ગ, ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ, ગુજરાત સરકારની નીતિ વિષયક સક્રિયતા, સંતુલિત નેતૃત્વ સાથે ઉદ્યોગોને જરૂરી સવલતો પૂરી પાડવાના કમીટમેન્ટ સહિતની બાબતો ગુજરાતને અન્યથી એક વિશેષ સ્થાન અપાવે છે. રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશભરમાં ગુજરાત અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવતું રાજ્ય બન્યું છે. ગુજરાત આજે એક બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ જ નહીં, પરંતુ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન રીન્યુએબલ એનર્જી તરીકે ઊભરી આવ્યું છે. વાઈબ્રન્ટ સમિટની ૧૦મી કડીમાં રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે અત્યાર સુધીના મહત્તમ MOU અને એગ્રીમેન્ટ સાઈન થયા છે, જે ગુજરાત માટે ગર્વની વાત છે.

નીતિ આયોગના સભ્ય વી. કે. સારસ્વતે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલા મિશન ગ્રીન હાઈડ્રોજન અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનુ ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત મહત્તમ યોગદાન આપશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના સચિવ ભૂપેન્દ્રસિંઘ ભલ્લાએ ગુજરાત સરકારની રીન્યુએબલ એનર્જી ક્ષેત્રને વિકસાવવાની સક્રિયતાને બિરદાવતા કહ્યું હતું કે, ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાત દેશમાં એક રોલ મોડલ તરીકે ઉભરી રહ્યું છે.

ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ ગુજરાતના ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન પોટેન્શિયલ અંગે વિગતવાર વાત કરી હતી. સાથે જ તેમણે ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન માટે વિકસી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે માહિતી આપી સૌને ગુજરાતમાં રોકાણ માટે આવકાર્યા હતા.

એનર્જી એશિયન ડેવલપમેન્ટ બેન્કના સીનિયર ડિરેક્ટર પ્રિયંથા વિજયતુંગાએ ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન ઇકો સીસ્ટમને વિકસાવવામાં એશિયન ડેવલપમેન્ટ બેંક ગુજરાતને કઈ રીતે મદદરૂપ થઇ રહી છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

નોર્વેના ગ્રીન હાઇડ્રોજન ઓર્ગેનાઈઝેશનના ગ્રીન હાઇડ્રોજન ડેવલપમેન્ટ પ્લાનના અધ્યક્ષ એરિક સોલ્હેમે ગુજરાત પાસે ભારતનું ગ્રીન હાઇડ્રોજન પ્રોડક્શન હબ બનવાની ક્ષમતા હોવાના વિવિધ પાસાઓ અંગે સવિશેષ માહિતી આપી હતી.

સેમિનારના પ્રારંભમાં ગુજરાત પાવર કોર્પોરેશનના એમ.ડી. અરૂણ મહેશ બાબુએ સેમિનારના મહત્વ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી, જ્યારે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી.ના એમ.ડી. જયપ્રકાશ શિવહરેએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરી ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે નવા આયામો સર કરશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યુનિ. ઓફ કેલિફોર્નીયા, બર્કલે અને ગુજરાત સરકાર, જીએસપીસી અને ગિફટ સીટી, એનટીપીસી અને જીએસપીસી તેમજ જીએસપીસી અને જીપીસીએલ વચ્ચે MOU  કરવામાં આવ્યા હતા.

સેમિનારમાં યોજાયેલા પેનલ ડિસ્કશન સેશનમાં વિષય નિષ્ણાંતો દ્વારા ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન, તેની વેલ્યુ ચેઇન, આર્થિક તકો અને ઊર્જા સંક્રમણ માટે ઉભરતી ટેક્નોલોજી જેવા અગત્યના મુદ્દાઓ પર ચિંતન અને મંથન કરવામાં આવ્યું હતું. આ પેનલ ડિસ્કશનમાં નોર્વેના ગ્રીનસ્ટાટ હાઇડ્રોજનના ચેરમેન સ્ટર્લી પેડરશન, બ્યૂરો ઓફ એનર્જી એફિસીયન્સીના ડાયરેક્ટર અભય બકરે, અદાણી ગ્રુપના ગ્રીન હાઈડ્રોજનના CEO  રજત સકસેરિયા સહિતના વિષય તજજ્ઞો પેનલ ડિસ્કશનમાં સહભાગી થયા હતા.