યમન,બુર્કીના ફાસો,નાઇઝરિયા અને દ.સુદાનમાં દુકાળ પડવાના એંધાણઃ યુએનની ચેતવણી

દક્ષિણ સુદાનમાં ઓછામાં ઓછા ૩૦ ટકા બાળકો ગંભીર કુપોષિત
ભૂખમરાથી ૧૩ બાળકોના મોત, ૧ લાખ ૫ હજાર લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે

૨૧મી સદીમાં પણ વિશ્વના ઘણા દેશો એવા છે, જ્યાં આવનારા દિવસોમાં ભયંકર દુષ્કાળ ની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે યમન, બુર્કીના ફાસો , નાઇજિરીયા અને દક્ષિણ સુદાનના ઘણા ભાગોમાં દુકાળ પડી શકે છે. આમાંથી સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ સુદાનની થવાની છે. આ દેશો લાંબા સમયથી હિંસાનો સામનો કરી રહ્યા છે. ત્યારબાદ પૂર અને કોરોના વાયરસથી લોકોની આજીવિકા વેર-વિખેર થઈ ગઈ છે.
દક્ષિણ સુદાનના પિબોર કાઉન્ટીએ આ વર્ષે ભયાનક હિંસા અને ભયંકર પૂરનો સામનો કરવો પડ્યો હતો. દેશના લેકુઆંગોલે શહેરમાં સાત પરિવારોએ મીડિયાને જણાવ્યું હતું કે તેમના ૧૩ બાળકોનું ફેબ્રુઆરી અને નવેમ્બરની વચ્ચે ભૂખથી મૃત્યુ થયું હતું. અહીંના શાસનના પ્રમુખ, પીટર ગોલુએ જણાવ્યું હતું કે તેમને સમુદાયના નેતાઓ તરફથી એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે સપ્ટેમ્બર અને ડિસેમ્બરની વચ્ચે ત્યાં અને આજુબાજુના ગામોમાં ૧૭ બાળકો ભૂખમરાથી મરી ગયા હતા.

‘ઇન્ટિગ્રેટેડ ફૂડ સિક્યુરિટી ફેઝ ક્લાસિફિકેશન’ દ્વારા આ મહિનામાં અપાયેલી દુષ્કાળ સમીક્ષા સમિતિના અહેવાલમાં અપુરતા ડેટાને લીધે દુષ્કાળની ઘોષણા કરવામાં આવી શકી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે દક્ષિણ સુદાનમાં દુષ્કાળની સ્થિતિ છે. આનો અર્થ એ થયો કે ઓછામાં ઓછા ૨૦ ટકા પરિવારો ભોજનની કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત, દક્ષિણ સુદાનમાં ઓછામાં ઓછા ૩૦ ટકા બાળકો ગંભીર કુપોષિત છે. જો કે દક્ષિણ સુદાન સરકાર અહેવાલના તારણો સાથે સહમત નથી.

સરકારનું કહેવું છે કે જાે દુકાળ આવે તો તે નિષ્ફળતા તરીકે જોવામાં આવશે. દક્ષિણ સુદાન પાંચ વર્ષ સુધી ચાલેલા ગૃહયુદ્ધમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. ફૂડ સેફ્ટી નિષ્ણાતો માને છે કે સતત યુદ્ધની સ્થિતિના લીધે ભૂખમરાનું સંકટ ઉભું થયું છે. દક્ષિણ સુદાનની ફૂડ સેફ્ટી કમિટીના અધ્યક્ષ જ્હોન પંગેચે કહ્યું, “તેઓ અનુમાન કરી રહ્યા છે (એટલે કે સરકાર)પ, અમે અહીં તથ્યો પર વાત કરી રહ્યા છીએ. તેમને જમીનની વાસ્તવિકતા ખબર નથી.” સરકારનું કહેવું છે કે દેશમાં ૧૧,૦૦૦ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. આ સંખ્યા ફૂડ સેફ્ટી નિષ્ણાતો દ્વારા રિપોર્ટમાં આપવામાં આવેલી ૧ લાખ અને ૫ હજારના અંદાજ કરતાં ઘણી ઓછી છે.