‘TSDF સાઇટ’ – અહીં કચરા સાથે નિયમોને પણ દફનાવવામાં આવે છે

  • સંવેદનશીલ ટીએસડીએફ સાઇટ પર CPCB દ્વારા પણ સમયાંતરે તપાસ કરવાની તાતી જરૂર
  • TSDF સાઇટ જોખમી કચરાથી થતા પ્રદૂષણનું અંતિમ નિવારણ સાબિત ન થતા બની ગયો છે સારો નફો રળી આપતો વ્યવસાય
  • માનવસર્જિત પ્રદૂષકોનો ઉમેરો થતા ભૂગર્ભજળની સ્થિતિને બનાવવામાં આવી રહી છે વધુ ગંભીર
  • ગુજરાતમાં ઉત્પન્ન થતા જોખમી કચરાના વ્યવસ્થાપન માટે જરૂરી ક્ષમતામાં ગુજરાતમાં TSDF સાઇટ્સ ઉપલબ્ધ નથી

ટીએસડીએફ નિયમ અનુસાર કામગીરી કરી રહ્યાં નથી..

ટીએસડીએફ એટલે કે ટ્રીટમેન્ટ, સ્ટોરેજ એન્ડ ડિસ્પોઝેબલ ફેસિલિટી સ્વયં પોતાની કામગીરીની ગંભીરતા સમજાવે છે. તેનાથી વિપરિત ઔદ્યોગિક એકમોના પ્રદૂષણ વ્યવસ્થાપન સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓને ખબર છે કે ગુજરાતમાં ઉત્પન્ન થતા જોખમી કચરાના વ્યવસ્થાપન માટે જરૂરી ક્ષમતામાં ગુજરાતમાં TSDF સાઇટ્સ ઉપલબ્ધ નથી. જેનો લાભ સાઇટ સંચાલકો ઉઠાવી રહ્યાં છે. ટીએસડીએફ નિયમ અનુસાર કામગીરી કરી રહ્યાં નથી તેની જાણ સૌને હોવા છતાં સાઇટના સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી થતી નથી, જે પર્યાવરણીય ક્ષતિ પ્રત્યે તંત્રની ઉદાસીનતા દર્શાવે છે.

સાઇટની પસંદગી સંબંધિત ધોરણોનું ઘોર ઉલ્લંઘન

હાલમાં ગુજરાત રાજ્યમાં ડેવલપ્ડ TSDFનો અભાવ છે ખાસ કરીને ગુજરાતમાં સ્લજ અને પ્રવાહી કચરાના ઉત્પાદનની સરખામણીમાં TSDF અને ઇન્સિનરેશન સાઇટ્સની અછત છે. ગુજરાતમાં ડેવલપ્ડ કે ડેવલપ થઇ રહેલી TSDF સાઇટ હજુ પણ દિશાનિર્દેશોનું પાલન કરી રહી નથી અને સાઇટની પસંદગી સંબંધિત ધોરણોનું ઘોર ઉલ્લંઘન થઈ રહ્યું છે.

જોખમી કચરો જે તે TSDF સાઇટ સુધી પહોંચતો નથી

ઘણા કિસ્સાઓમાં એવું જાણવામાં આવેલ છે કે ઔદ્યોગિક એકમ દ્વારા જોખમી કચરાના નિકાલ માટે  મેનીફેસ્ટ બનાવવામાં આવે છે. પરંતુ તદ્દનુસાર આ જોખમી કચરો જે તે TSDF સાઇટ સુધી પહોંચતો નથી એ પણ છૂપાયેલી બાબત હવે રહી નથી. TSDF સાઇટ પરના જોખમી કચરાના જથ્થા અનુસાર ઉત્પન્ન થનાર લીચેટના જથ્થાની ગણતરી કરી તેની સરખાવવામાં આવે તો તેમાં પણ ઘણો મોટો તફાવત જોવા મળી શકે છે.

જનરેટ થયેલ લીચેટનું કોઈ યોગ્ય રીતે સંચાલન થતું નથી

TSDF સાઇટ પરથી જનરેટ થયેલ લીચેટનું યોગ્ય રીતે સંચાલન થતું નથી. જેથી આ કામગીરીમાં ઓનલાઈન મેનિફેસ્ટ અને ઓનલાઈન વ્હીકલ મોનિટરીંગ સિસ્ટમની સુવિધા હોવા છતાં, નકલી મેનિફેસ્ટ અને કોઈપણ સ્થૂળ સ્લજ મોકલ્યા વિના જોખમી કચરાના નિકાલની શક્યતાઓ રહેલી છે. જેને લઇને આવી સંવેદનશીલ TSDF સાઇટ્સની તાકીદે તપાસ કરવાની જરૂર છે, જે લાઇનર સિસ્ટમની નિષ્ફળતા અથવા અન્ય આબોહવાની સ્થિતિના કિસ્સામાં આપત્તિજનક સ્થિતિનું કારણ બની શકે છે, તેથી આવી સંવેદનશીલ ટીએસડીએફ સાઇટ પર CPCB દ્વારા પણ નિયમિત રીતે સમયાંતરે તપાસ કરવાની તાતી જરૂર છે.

માનવસર્જિત પ્રદૂષકોનો ઉમેરો થતા ભૂગર્ભજળની સ્થિતિને વધુ ગંભીર

મોટાભાગની ટીએસડીએફ સાઇટની સંગ્રહ શક્તિ પૂર્ણ થઇ ગયેલ છે. તથા ઓવર લોડ સંગ્રહના કારણે જમીનના અમૂક ભાગો સાથે તૈયાર કરવામાં આવેલ અનુમતિપાત્ર સ્તરમાં નુક્શાન થાય છે. જેના કારણે લિચેટ સીધુ જમીનમાં ઉતરી ભૂગર્ભજળ સાથે મિશ્રિત થાય છે. પરિણામે આજુબાજુના પાંચેક કિલોમીટરના બોર, કૂવા જેવા જળસ્ત્રોતોમાં ખૂબ જ નુક્શાનકારક ઝેરી ઘટકો આવી સાઇટ્સના માધ્યમથી જમીનમાં ઉતરે છે. ગુજરાતમાં દિવસેને દિવસે ભૂગર્ભજળ ઉંડા ઉતરતા જાય છે તેમજ ફ્લોરાઇડ તથા હાર્ડનેસનું પ્રમાણ પાણીમાં વધી રહ્યું છે. તેમાં પણ આવા માનવસર્જિત પ્રદૂષકોનો ઉમેરો થતા ભૂગર્ભજળની સ્થિતિને વધુ ગંભીર બની રહી છે. જો વિશ્વસનીય લેબોરેટરીમાં પરીક્ષણો કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે તેમ છે.

જો ઔદ્યોગિક એકમો દ્વારા ઉત્પન્ન થતો જોખમી કચરો અને TSDF સાઈટ ખાતે વ્યવસ્થાપન કરવામાં આવેલ જોખમી કચરાની મેળવણી કરવામાં આવે તો કદાચ આ તમામ TSDF સાઈટોની ક્ષમતા પૂરી થઈ ગઈ હોવાની કે પૂર્ણતાના આરે હોવાની શક્યતા રહેલ છે.

TSDF સાઇટ – સારો નફો રળી આપતો વ્યવસાય

TSDF સાઇટ જોખમી કચરાથી થતા પ્રદૂષણનું અંતિમ નિવારણ સાબિત થઈ રહી નથી, પરંતુ સારો નફો રળી આપતો વ્યવસાય ચોક્કસ બની ગયો છે. સૌને ખબર છે કે જો નિયમ અનુસાર TSDF સાઇટનું સંચાલન કરવામાં આવે તો તે ખૂબ જ ખર્ચાળ બને છે આથી ઔદ્યોગિક એકમ અને ટીએસટીએફ સાઇટ વ્યવસ્થાપક નિયમોનું ઉલ્લંઘન કરીને જોખમી કચરાનો નિકાલ હોવાનું ચર્ચાઈ રહેલ છે.

જીપીસીબીની xgn સિસ્ટમ પાસે ઉદ્યોગોની દરેક વિગતો હોય છે

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા xgn system બનાવવામાં આવેલ છે, જેમાં ઉદ્યોગોએ અરજી કરતી વખતે બધી જ વિગતો જાહેર કરવાની તથા વખતોવખત રજૂ પણ કરવાની હોય છે. તેથી જીપીસીબી પાસે દરેક ઔદ્યોગિક એકમના ઉત્પાદનથી લઇને પ્રદૂષકોની સંપૂર્ણ વિગતો હોય છે જ.

જોખમી કચરાની જ વાત કરીયે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સાચી અને યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તો રાજ્યમાં આવેલ ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થયેલ જોખમી કચરો TSDFમાં મોકલ્યો છે કે સગેવગે કરી રાજ્યની જમીન અને જળસ્ત્રોતોને ગંભીર નુકશાન પહોંચાડ્યું છે એ વિગતો આપોઆપ સામે આવી જાય છે.

રાજ્યમાં વસતા દરેક નાગરિકને શુદ્ધ હવા અને પાણી મળી રહે એ તેમનો બંધારણીય હક છે. આ સાથે  તમામ પ્રકારના કુદરતી સ્ત્રોતોને નુકશાન કરતાં હોય તેવા તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સરકારને ન ગણકારતા તેવા ચમરબંધીઓ અને એકમો વિરૂદ્ધ જીપીસીબી કાર્યવાહી કરશે કે પછી આંખે પાટા બાંધી રાખશે.

અત્રે ઉલ્લેખનીય છે કે CPCB દ્વારા વર્ષ 2009માં પ્રકાશિત કરાયેલ સામાન્ય જોખમી કચરાના ઇન્સિનરેશન સહિત કોમન હઝાર્ડસ વેસ્ટ ટ્રીટમેન્ટ સ્ટોરેજ અને નિકાલની સુવિધાઓનું કામગીરી મૂલ્યાંકન અને દેખરેખ માટે પ્રોટોકોલ પણ છે જેનું સખતપણે પાલન કરવાની જરૂર છે.

*તસવીરઃ પ્રતિકાત્મક છે

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news