દાહોદના લક્ષ્મીનગરના ઘરોમાં લાલ પાણી આવતું હોવાથી પરેશાની

દાહોદ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી બોરીંગમાં લાલ રંગનું પાણી આવી રહ્યું છે. ધીમે-ધીમે ૬૦ ટકા જેટલા ઘરોમાં બોરિંગનું પાણી લાલ રંગનું આવવા લાગ્યું છે. લાલ કલરનું બોરિંગનું પાણી જોતા જ સ્થાનિકો અચંબામાં મુકાઈ ગયા હતા અને આ પાણી કઈ રીતે લાલ થઇ ગયું તેવા અનેક સવાલો લોકોમાં વહેતા થવા પામ્યા છે.

પરંતુ જાણવા મળ્યા પ્રમાણે નજીકમાં બનેલા એસટીપી પ્લાન્ટના કારણે પાણી દૂષિત થયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. પાણીના પરીક્ષણમાં અમૂક તત્વોનું પ્રમાણ વધારે આવતાં સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ પાણી પીવા માટે જોખમકારક હોવાનું પરીક્ષણમાં સામે આવ્યું છે.

આ વિસ્તાર પાલિકામાં સમાવિષ્ટ નથી અને દાહોદ ગ્રામ્યમાં આવે છે. ત્યારે રજુઆતો કરવા છતાંય નિરાકરણ ન આવતાં હવે રોષે ભરાયેલા લોકો આજે પ્લાન્ટ પર પહોંચી ગયા હતા અને જાતે તપાસ હાથ ધરી હતી. અધિકારીઓને પણ ફોન કરીને બોલાવવાની કોશિષ કરી હતી પરંતુ હવે સ્થાનિકો આંદોલનના મૂડમાં જણાઈ રહ્યા છે.દાહોદ શહેર પાસે આવેલા લક્ષ્મીનગર વિસ્તાર ખાતે બોરિંગનું પાણી લાલ રંગનું નીકળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સૂત્રો અનુસાર નજીકમાં આવેલા એસ.ટી.પી પ્લાન્ટના કારણે બોરિંગનું પાણી દૂષિત થયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ત્યારબાદ આજે શુક્રવારે લોકો જાતે જ પ્લાન્ટ પર પહોંચ્યા હતા અને જાત તપાસ હાથ ધરી હતી. હવે ત્રસ્ત નાગરિકો આંદોલનના મૂડમાં જણાઈ રહ્યા છે.