તુર્કી-સિરીયામાં અત્યાર સુધીમાં ત્રણ મોટા ભૂકંપ અને અમુક ક્ષણમાં ૩૮૦૦થી વધારેના જીવ
તુર્કી અને પડોશી દેશ સીરિયામાં સોમવારે આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે અત્યાર સુધીમાં ૩૮૦૦થી વધારે લોકોનાં મોત થઇ ચૂક્યા છે. આ સાથે ૧૫ હજારથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભૂકંપને કારણે બિલ્ડિંગોમાં ભારે નુકસાન થયું છે. હજી નુકસાન વધવાની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કર્મીઓ ફસાયેલા લોકોની તપાસમાં લાગેલા છે. બંને દેશોમાં ભૂકંપનો ઝટકો સૂર્યોદય પહેલા અનુભવાયો હતો. બહાર ઠંડી અને વરસાદ બાદ પણ લોકોને બહાર આવવું પડ્યું હતુ. ભૂકંપ બાદ પણ ઝટકાં અનુભવાઇ રહ્યા છે. જુદા જુદા શહેરોમાં, બચાવ કર્મીઓ અને રહેવાસીઓ તૂટેલી ઇમારતોમાંથી બચેલા લોકોને બહાર કાઢી રહ્યા છે.
તુર્કીની એક હોસ્પિટલ અને ભૂકંપમાં નાશ પામેલી સીરિયાની અનેક હોસ્પિટલોમાંથી નવજાત શિશુ સહિતના દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા પડ્યા હતા. આ દુર્ઘટના અંગે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયિન એર્દોઆને કહ્યું કે, ભૂકંપના વિસ્તારમાં અનેક ઈમારતોના કાટમાળને હટાવવાનું કામ ચાલી રહ્યું છે. અમને ખબર નથી કે, મૃતકો અને ઘાયલોની સંખ્યા કેટલી વધશે. તુર્કીને મદદ કરવાં ભારત સરકારે NDRFની એક ટીમને બચાવ કામગીરી માટે મોકલી છે. ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ સાથે એનડીઆરએફના જવાનોની ટીમો જરૂરી સાધનો સાથે શોધ અને બચાવ કામગીરી માટે તુર્કી જવા રવાના થઈ છે.
PMએ એક નિવેદન જારી કરીને કહ્યું કે NDRF સિવાય તુર્કીને મેડિકલ સહાય પણ આપવામાં આવશે. આ માટે ભારતથી દવા અને ડોક્ટરોની ટીમ પણ જશે. માહિતી આપતા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું કે, ૭૮ વ્યક્તિઓ સાથે બે બચાવ અને રિકવરી ટીમ તુર્કી જવા રવાના થશે. અમે વધારાના ભંડોળના સંસાધનોનો વિકલ્પ જોઈ રહ્યા છીએ, જે બંને દેશો માટે ઉપલબ્ધ છે. નેડ પ્રાઈસે કહ્યું કે, અમે અમારા તુર્કી સહયોગીઓ અને સીરિયાના લોકો માટે અમે જે કરી શકીએ તે કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
જણાવી દઈએ કે, ભૂકંપની ઘટના બાદ ભારત અને અમેરિકાએ તાત્કાલિક મદદનું આશ્વાસન આપ્યું હતું. સોમવારે તુર્કીમાં ૭.૮, ૭.૬ અને ૬.૦ની તીવ્રતાના ત્રણ વિનાશક ભૂકંપ આવ્યા. એસોસિએટેડ પ્રેસ અહેવાલ પ્રમાણે, તુર્કી અને સીરિયામાં આવેલા જીવલેણ ભૂકંપમાં અત્યાર સુધીમાં ૩,૪૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. તુર્કીએ દક્ષિણ પ્રાંતોમાં ઘાતક ભૂકંપ બાદ ૭ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે. તુર્કીમાં ભૂકંપની ઘટના પર સમગ્ર વિશ્વએ શોક વ્યક્ત કર્યો છે.
રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના હવાલાથી જણાવ્યુ કે, ૧૨ ફેબ્રુઆરીના સૂર્યાસ્ત સુધી તુર્કીનો ધ્વજ અડધો ઝુકાયેલો રહેશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેરાત કરવામાં આવ્યાના થોડા જ કલાકો પછી ભારતે ભારતીય વાયુસેનાના વિમાનમાં ભૂકંપ રાહત સામગ્રીનો પ્રથમ બેચ તુર્કી મોકલ્યો છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે તુર્કી અને સીરિયાના ભૂકંપ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને તુર્કીને મદદ કરવાની ઓફર કરી હતી. તુર્કીની ડિઝાસ્ટર અને ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપ દરમિયાન અને પછી તુર્કીમાં ઓછામાં ઓછી ૫,૬૦૬ ઈમારતો ધરાશાયી થઈ હતી. ઉત્તર સીરિયામાં પણ આવા જ વિનાશના અહેવાલો છે.