આ વર્ષે હનુમાન જન્મોત્સવ મંગળવારે હોવાથી મહત્વ છે અતિ વિશેષઃ જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ
પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજી આજે પણ પૃથ્વી પર ભૌતિક રીતે વિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી ગંધમાદન પર્વત પર રહે છે. તેથી જ હનુમાનજીને કળિયુગના જાગૃત દેવતા કહેવામાં આવે છે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, પરંતુ હનુમાનજી હજુ પણ પૃથ્વી પર છે, તેથી તેમના જન્મદિવસને જન્મોત્સવ તરીકે ઓળખવો યોગ્ય રહેશે. તેથી જ ઘણા લોકો હનુમાન જયંતિને હનુમાન જન્મોત્સવ કહે છે.
હનુમાન જન્મોત્સવનો તહેવાર દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જ્યારે પણ હનુમાન જયંતિ મંગળવાર કે શનિવારે આવે છે ત્યારે તેનું મહત્વ અતિ વિશેષ થઈ જાય છે. આ વર્ષે હનુમાન જન્મોત્સવ મંગળવારે છે. પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી સૌના સંકટોને હરનારા છે. સંકટમોચક હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવાર અને શનિવારનો દિવસ વિશેષ માનવામાં આવે છે.
તેવું પણ માનવામાં આવે છે કે પવન દેવ અને અંજની માતાના પુત્ર હનુમાન એ સાક્ષાત દેવ છે, બજરંગબલીનું સાચા મનથી નામ લેવામાં આવે તો દુઃખ, મુસીબતો, ભૂત-પ્રેત ભાગી જાય છે. તેથી જ તુલસીદાસે હનુમાનજી વિશે લખ્યું છે કે, ‘સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરાઈ હનુમત બલ બીરા.’ તેનો અર્થ છે- હનુમાનજીમાં દરેક પ્રકારના દુખ, દર્દ અને પીડા દૂર કરવાની ક્ષમતા છે.
પૂજા-પાઠ કરવા માટેના શુભ મુહૂર્તઃ-
હનુમાન જન્મોત્સવના દિવસે ભગવાન શ્રી રામની ભક્તિ, પૂજા – પાઠ નું પણ ખૂબ વધારે મહત્વ છે. હનુમાન જન્મોત્સવ પર બજરંગબલીની પૂજા-પાઠ કરવા માટે બે શુભ મુહૂર્ત છે. પહેલુ શુભ મુહૂર્ત સવારનું છે અને બીજુ શુભ મુહૂર્ત રાત્રિનું છે. પ્રથમ શુભ સમયઃ મંગળવાર; ૨૩ એપ્રિલે, સવારે ૦૯:૦૩થી બપોરે ૦૧:૫૮ સુધી છે, જ્યારે બીજો શુભ સમયઃ રાત્રે ૦૮:૧૪ થી ૦૯:૩૫ સુધીનો છે.
હનુમાન જન્મોત્સવની પૂજાવિધિઃ-
હનુમાન જન્મોત્સવ પર, સવારે સ્નાન કર્યા પછી એક ચોખ્ખા આશન પર બેસી દીવો પ્રગટાવી બજરંગબલીની પૂજા-પાઠની શરૂઆત કરવી.. સૌથી પહેલા ઉત્તર-પૂર્વ દિશામાં પોસ્ટ પર લાલ કપડું પાથરી દો. હનુમાનજીની સાથે શ્રી રામજીનું ચિત્ર સ્થાપિત કરો. હનુમાનજીને લાલ ફૂલ અને રામજીને કેસરી અને પીળા ફૂલ ચઢાવો, પ્રસાદ માટે ભોગ લગાવવો. પહેલા શ્રી રામના મંત્ર ‘ઓમ રામ રામાય નમઃ’નો જાપ કરી, હનુમાનજીના મંત્ર ‘ઓમ હં હનુમતે નમઃ’નો જાપ કરવો ત્યારબાદ હનુમાન છલીસનો પાઠ કરવો, તે પછી આરતી કરી ને પ્રસાદ લઈ પૂજા પૂર્ણ કરવી.