હિમાચલ, ઉત્તરાખંડમાં હજુ તબાહીનો છે ખતરો, ૭ રાજ્યમાં હવામાન વિભાગનું એલર્ટ

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની સ્થિતિ આજે પણ તેમની તેમ જ છે. આ સિવાય મધ્યપ્રદેશ અને બિહાર સહિત લગભગ ૭ રાજ્યોમાં હવામાન ઝડપથી બદલાવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ ૭ રાજ્યો માટે ૨૪ ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધુ છે. દેશના પૂર્વ અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં વરસાદની ગતિવિધિઓમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને અરૂણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે ૨૧મી ઓગસ્ટથી ૨૪મી ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રવિવારે જ IMDએ જણાવ્યું હતું કે લો પ્રેશર એરિયાને કારણે મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આગામી ૨-૩ દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે વરસાદ બાદ રવિવારે તાપમાનમાં વધારો થયો હતો. મીડિયા રિપોર્ટમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારના વરસાદને કારણે રાજધાનીના તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. પરંતુ રવિવારે ફરીથી તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થયો હતો. જણાવી દઈએ કે શનિવારે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી સેલ્સિયસ હતું. રવિવારે મહત્તમ તાપમાન ૩૬.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૮.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

IMDએ ૨૨થી ૨૪ ઓગસ્ટ સુધી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સાથે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ સાથે આજે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે રવિવારે પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. તે જ સમયે, ચંબા અને મંડી જિલ્લાના જળસ્ત્રાવ વિસ્તારોમાં અચાનક પૂરની ચેતવણી આપવામાં આવી છે અને આગાહી કરવામાં આવી છે કે ૨૬ ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેશે. તે જ સમયે, ભારે વરસાદને કારણે, ભૂસ્ખલન થઈ શકે છે. આ સાથે પૂરના કારણે નદીઓ અને નાળાઓની જળસપાટી વધી શકે છે.

રવિવારે ચંદીગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે વરસાદના કારણે લોકોને ભેજવાળી ગરમીથી રાહત મળી છે. તેમણે કહ્યું કે પંજાબના મોહાલી અને હરિયાણાના પંચકુલા સહિત ચંદીગઢની આસપાસના શહેરો વરસાદથી પ્રભાવિત થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની સંભાવના છે.