દિલ્હીમાં ફ્રી વીજળી પર તો આવ્યો નવો નિયમ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. દિલ્હીમાં હવે જે લોકો વીજળી સબસિડી માટે અરજી કરશે તેમને જ વીજળી સબસિડી મળશે. આજથી આ માટે અરજી શરૂ થઈ જશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેટલાક લોકો ફ્રી વીજળી લેવા માંગતા નથી. આવામાં હવે દિલ્હીમાં પણ એ જ લોકોને વીજળી સબસિડી મળશે જે તેના માટે અરજી કરશે.  અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં પહેલા વીજળી ખુબ જતી હતી. અમે તેને ઠીક કર્યું. હવે ૨૪ કલાક વીજળી મળે છે. દિલ્હીમાં વીજળી ફ્રી મળે છે. ભ્રષ્ટાચાર રોકીને જે પૈસા બચાવ્યા તેમાંથી લોકોને સુવિધા આપી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં વીજળીના ૫૮ લાખ ગ્રાહકો છે. જેમાંથી ૩૦ લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે. ૧૭ લાખ ગ્રાહકો એવા છે જેમના બિલ અડધા આવે છે. જે લોકો સબસિડી માંગશે તેમને જ અમે સબસિડી આપીશું. આ સુવિધા એક ઓક્ટોબરથી લાગૂ રહેશે.

વીજળીના બિલ સાથે એક ફોર્મ આવશે. વીજળીના બિલ કેન્દ્રમાં ફોર્મ જમા કરાવવું પડશે. તેમણે કહ્યું કે અમે એક નંબર (૭૦૧૧૩૧૧૧૧૧) બહાર પાડી રહ્યા છીએ. આ નંબર પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. મિસ્ડ કોલ પર મેસેજ આવશે. તેમાં એક લિંક મળશે. જેનાથી વોટ્‌સ એપ પર ફોર્મ ઓપન થઈ જશે. જેમનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે તેમને મેસેજ પણ મોકલવામાં આવશે. ૩૧ ઓક્ટોબર સુધીમાં જેટલા લોકો ફોર્મ ભરશે તેમને યોજનાનો લાભ મળશે. આગામી મહિને ફોર્મ ભરવા પર  ગત મહિનાનું બિલ જમા કરવું પડશે. તેમણે કહ્યું કે આ અંગે તેમની સરકાર  ઘરે ઘરે જઈને જાગૃતતા અભિયાન ચલાવશે. અત્રે જણાવવાનું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ ઢૂંકડી છે અને આમ આદમી પાર્ટી પૂરા જોરશોરથી પ્રચાર કરી રહી છે.

અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પણ ફ્રી વીજળી આપવાનો વાયદો કર્યો છે. તેમણે કહ્યું હતું કે હાલમાં મોંઘવારી ખૂબ વધી ગઇ છે. આ મોટી સમસ્યા છે. વીજળીના ભાવ સતત વધી રહ્યા છે. જેવી રીતે અમે દિલ્હીમાં ફ્રી વિજળી આપી. પંજાબમાં ત્રણ મહિનામાં ફ્રી વિજળી આપી. એ જ પ્રમાણે અમે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ફ્રી વીજળી આપીશું. પહેલી ગેરંટી તેમણે ફ્રી વીજળીની આપી હતી. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું હતું કે ગુજરાતમાં પહેલી ગેરેન્ટી તરીકે ફ્રી વીજળીનું વચન આપું છું. કેજરીવાલે કહ્યું કે ભાજપે કહ્યું હતું કે ૧૫ લાખ આપીશું. પછી કહ્યું કે આ ચૂંટણીનો તુક્કો હતો. તે કહે છેલ પરંતુ અમે ગેરેન્ટી આપીએ છીએ. જો અમે કામ ન કરીએ તો આગામી વખતે વોટ ન આપતા. કેજરીવાલે કહ્યું કે અમે વીજળીને લઇને ત્રણ કામ દિલ્હી અને પંજાબમાં કર્યા છે. તો એ જ ગુજરાતમાં કરીશું.