રાજ્યમાં હજુ બે દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગની આગાહી

ઠંડી પવનોથી હાડ થીજવતી ઠંડીનું રાજ્યમાં જાેર યથાવત રહ્યું છે. રાજ્યમાં હજુ બે દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ૭.૮ ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. તો બે દિવસ બાદ ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગે માહિતી આપી છે. હવામાન વિભાગ મુજબ સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી પાંચ દિવસ તો રાજ્યમાં અન્ય શહેરોમાં આગામી બે દિવસ તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિંવત છે.

બીજી બાજુ ભારે હિમવર્ષા અને ચારેય તરફ બરફની ચાદરને કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉત્તરાખંડ, હિમાચલ અને કશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા બાદ વરસાદ વરસતા બેવડા વાતાવરણનો માહોલ સર્જાયો છે. જમ્મુ-કશ્મીરમાં સતત ત્રીજા દિવસે ભારે હિમવર્ષાથી જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ રાખવો પડ્યો હતો.

જેને લીધે ૪૫૦૦ જેટલા વાહનો ફસાયા હતા. તો પહાડી વિસ્તારોમાં હિમ સ્ખલનની પણ ચેતવણી આપવામાં આવી છે. ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, પિથોરગઢ જિલ્લામાં ભારે હિમવર્ષા થઈ રહી છે. યમુનોત્રીનું તાપમાન માઈનસ છ ડિગ્રી સુધી પહોંચી ગયુ તો ગંગોત્રીમાં ઠંડીનો પારો એક ડિગ્રી સુધી પહોંચી ગયો છે.