માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ૨ ડિગ્રી પહોંચ્યું

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં શીતલહેર ફૂંકાશે, જેને લઈ બંને જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. શીતલહેરની અસર મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ વર્તાશે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં રવિવારે તાપમાન ૭ ડિગ્રી ઘટીને માઈનસ ૨ થઈ ગયું હતું. શનિવારે ૫ ડિગ્રી હતું. રવિવારે સવારે મેદાની વિસ્તારોમાં ઝાકળના ટીપાં સાથે હળવા બરફનું પડ જોવા મળ્યું હતું. ઠંડીનું મોજુ ફરી વળતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.મહેસાણામાં રવિવારે ઠંડી સવા ૫ ડિગ્રી વધતાં તાપમાન ૯.૩ ડિગ્રી નોંધાયું હતું. શનિવારે ૧૪.૫ ડિગ્રી હતી. દર કલાકે ૧૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનના કારણે દિવસનું તાપમાન આંશિક વધીને ૨૨ ડિગ્રી નોંધાયું હતું.

ઉત્તર ગુજરાતમાં ૨૦ દિવસ બાદ ઉત્તર-પૂર્વિય ઠંડા પવન ફૂંકાતાં હાંજા ગગડાવતી ઠંડી પડી હતી. રવિવારે ઠંડીનો પારો સવા ૬ ડિગ્રી ગગડી ૧૦ ડિગ્રીથી નીચે આવી ગયો હતો. ૨૦ ડિસેમ્બરે ૮.૪ ડિગ્રી નોંધાયા બાદ જાન્યુઆરીમાં પ્રથમ વખત ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે આવતાં શીતલહેર પ્રસરી ગઇ હતી. દરમિયાન, સોમવારે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું યલો એલર્ટ અપાયું છે. ૧૦ ડિગ્રીથી નીચા તાપમાન અને પવનના કારણે હાડ થિજાવતી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં શનિવાર સાંજે ૬થી રવિવાર સવારે ૧૦ વાગ્યા સુધી તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે ગયું હતું. કમકંપાવતી અને ઠંડા હેમ પવનના કારણે સામાન્ય જીવન પર ભારે અસર પડી હતી.

અસહ્ય ઠંડીના કારણે રવિવારે રાજાનો દિવસ હોવા છતાં બહાર ફરવા જવાનું માંડી વાળી લોકોએ ઘરોમાં જ પૂરાઇ રહેવા મુનાસીબ માન્યું હતું. મહેસાણા, વિસનગર, કડી, ઊંઝા, વડનગર, ખેરાલુ સહિતના શહેરોમાં સવારે જાહેર રસ્તા સુમસામ જોવા મળ્યા હતા. રસ્તા ઉપર એકલ-દોકલ જતાં લોકો પણ ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. સવારથી લઇ સાંજ સુધી હાથ અને પગમાં બુટ-મોજા પહેર્યા હોવા છતાં આંગળા ચચરતા હતા. આમ, અચાનક કાતિલ ઠંડીના મોજામાં લોકો રીતસર ઠુંઠવાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૪૮ કલાક સુધી ઠંડીનો આ કહેર યથાવત રહેશે. ત્યાર બાદ ઠંડીમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. એટલે કે, ૧૨ જાન્યુઆરીથી કાતિલ ઠંડીથી રાહત મળશે.