બિયાસની સાથે હવે સતલજના પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

પંજાબ-હિમાચલ પ્રદેશમાં વહેતી બિયાસ નદીને પ્રથમ બી ક્લાસ નદીનું શીર્ષક મળ્યું

પંજાબ અને હિમાચલ પ્રદેશમાં વહેતી બિયાસ નદીને દેશની પ્રથમ ‘બી ક્લાસ’ નદીનું શીર્ષક મળ્યું છે. મતલબ કે આ નદીનું પાણી નાહવા અને પીવા માટે યોગ્ય બની ચુક્યું છે. જો કે પીતા પહેલા નદીના પાણીને ફિલ્ટર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી રહેશે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ ૨૦૧૯ના વર્ષમાં બિયાસ નદીને શુદ્ધ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને તેના માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. બિયાસ નદીના પાણીને સ્વચ્છ કરવા માટે પંજાબ સરકારની જવાબદારી પણ નક્કી કરવામાં આવી હતી. આ કમિટીના મોનિટરીંગ અંતર્ગત નદીના પાણીને શુદ્ધ કરવા જાન્યુઆરી ૨૦૨૦માં કામ શરૂ કરવામાં આવેલું જે હવે પૂરૂ થઈ ગયું છે. એક વર્ષના પ્રયત્ન બાદ બિયાસ નદીના પાણીની ગુણવત્તામાં સુધારો આવ્યો છે. સેવાનિવૃત્ત જસ્ટિસ જસબીર સિંહની અધ્યક્ષતામાં બનેલી પૂર્વ મુખ્ય સચિવ એસસી અગ્રવાલ, પર્યાવરણ પ્રેમી બાબા બલબીર સિંહ સીચેવાલ અને ટેક્નોલોજી નિષ્ણાંત ડૉ. બાબૂ રામની કમિટીના અનુસાર બિયાસ નદીના બે હિસ્સામાં પાણીની ગુણવત્તામાં જરૂરી સ્તર (ક્લાસ-બે)નો સુધારો આવ્યો છે.

નદીઓના જળસ્તરને ૩ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. ‘સી ક્લાસ’ની નદીનું પાણી ન નાહવા યોગ્ય હોય છે કે ન પીવા યોગ્ય હોય છે. ‘બી ક્લાસ’ની નદીના પાણીમાં વ્યક્તિ નાહી શકે છે અને ફિલ્ટર કરીને તે પાણી પી પણ શકે છે. જે નદીને ‘એ ક્લાસ’નો દરજ્જો આપવામાં આવે તેનું પાણી ફિલ્ટર કર્યા વગર પણ પી શકાય છે.