પાણી છોડાતા માંડવી રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થયો

ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ડેમમાંથી ૧.૯૯ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તાપી નદી બંન્ને કાંઠે વહી રહી છે. તાપી નદીના કિનારે લોકોનાં હરવા ફરવા માટે માંડવી નગર પાલિકા દ્વારા રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે. જે હાલ તાપી નદીના પાણીમાં ગરકાવ થયો છે. લોકોની ભીડથી ભરેલો રહેતો રિવરફ્રન્ટ આખેઆખો પાણીમાં ગરકાવ થયો છે અને પાણીના પ્રવાહમાં રિવરફ્રન્ટ પર ઉગાડવામાં આવેલા માત્ર વૃક્ષો જ નજરે પડી રહ્યા છે.

ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતાં સુરત જિલ્લામાંથી પસાર થતી તાપી નદી પ્રભાવિત છે. ત્યારે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા જિલ્લાના લોકોને અફવાઓથી દૂર રહેવા જણાવાયું છે. સાથે સાથે નદી કાંઠે વસવાટ કરતા લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે.

તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધતાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તાપી નદી પ્રભાવિત થઈ બન્ને કાંઠે વહેતી થઈ છે. નદી કાંઠે આવેલા અનેક સ્થળોએ પાણી ભરાયા છે. ત્યારે માંડવી ખાતે તાપી નદીના કિનારે આવેલો રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થયો હતો. લોકોની ભીડથી ભરેલા રહેતા રિવરફ્રન્ટ પર માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે.