સાબરમતી નદીમાં દુષિત પાણી ઠાલવવાનો ખેલ, ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ
જીપીસીબીની ઘોર બેદરકારી; માત્ર નોટિસો આપી જવાબદારી પૂર્ણ કર્યાનું નાટક?
આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટ મિત્રની નિમણુંક કરાઇ છે, કોર્ટ મિત્રએ સાબરમતી નદીની સ્થળ તપાસ કરી ચિંતા વ્યક્ત કરી
પૂર્વ વિસ્તારમાં ધમધમતાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ એકમો ગટર લાઇનમાં ગેરકાયદેસર જોડાણ કરીને કેમિકલના પાણી ઠાલવે છે, પણ જીપીસીબી આવા એકમો સામે કડક કાર્યવાહી કરતી નથી
સાબરમતી નદીમાં ઠલવાતા ગટરના પાણીની સાથે કેમિકલના પાણી ભૂગર્ભ જળને પ્રદુષિત કરી રહ્યાં છે, સાથે લાંબા ગાળાએ નદીની આસપાસ વસેલા ગામોની જમીનને પણ મોટું નુકશાન કરશે, જમીન બિનઉપજાઉ બનવાનો ડર
ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો જાહેર હિતની અરજી ગ્રાહ્ય રાખી સુનાવણી હાથ ધરતાં એએમસી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી
કોર્ટ મિત્ર હેમાંગ શાહે સ્થળ તપાસ કરી ચિંતા વ્યક્ત કરી
ગત 5મી સપ્ટેમ્બર 2021ના દિવસે કોર્ટ મિત્ર હેમાંગ શાહ, જીપીસીબી, સીપીસીબીના અધિકારીઓ સહિત કુલ 10 સભ્યોની ટીમે સાબરમતી નદીના કિનારે આવેલા 20 જેટલા પ્રદુષિત સ્થળોની મુલાકાત લીધી હતી. નવ કલાક ચાલેલી મુલાકાત બાદ કોર્ટ મિત્રએ કરેલી ટિપ્પણી વેધક હતી તેમણે હાઇકોર્ટમાં જણાવ્યું હતુ કે, નવ કલાક દરમિયાન 20 કિ.મી. લંબાઇમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી જેમાં એક મીનીટ પણ ઉભા રહેવું મુશ્કેલ છે.
અમદાવાદ સાબરમતી નદીને પ્રદુષિત કરનારા એક પણ ઔદ્યોગિક એકમને છોડવામાં નહિ આવે એવું હાઇકોર્ટે અવલોકન કર્યા બાદ સરપ્રાઈઝ વિઝિટ કરવાનું અને કોર્ટ મિત્ર પણ ઈન્સપેક્શન કરશે તેવું કહ્યું હતું. આ જ સંદર્ભમાં કોર્ટ મિત્ર હેમાંગ શાહ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમોએ સાબરમતી નદી અને આસપાસના ઔદ્યોગિક એકમોનું ઇન્સ્પેકશન કર્યું તો જાણવા મળ્યું કે ઓછું અથવા તો ટ્રીટમેન્ટ કર્યા વગરનું પાણી ખેતીમાં વાપરવા આધિકારીક છૂટ અપાઈ છે. ટ્રીટમેન્ટ વગર છોડાતા પાણીના કારણે નદી અને આસપાસની ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ મામલે કોર્ટ મિત્ર અને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં કોર્ટમાં વિસ્તૃત રિપોર્ટ સબમીટ કરશે. આ પહેલાં કોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણ બાબતે સ્પષ્ટ કહ્યું હતું કે રિવરફ્રન્ટનું આપણે ગૌરવ લઈએ છીએ, પરંતુ તેમા દૂષિત પાણી છોડાતુ હોય તે ચલાવી નહીં લેવાય. સત્તાની ટોચ પર બેઠેલા લોકો આવા ઔદ્યોગિક એકમોને રક્ષણ આપે તે દુઃખદ છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પણ કડક પગલાં લેવા હાઇકોર્ટનો આદેશ છે ત્યારે હવે આ ઈન્સ્પેક્શન બાદ પાલિકા, ઔદ્યોગિક એકમોની આકરી કસોટી થવાની છે એ નક્કી છે. હવે કોર્ટના આદેશ બાદ સફાળી જાગેલી પાલિકા દ્વારા સાબરમતી નદીનાં શુદ્ધિકરણ માટે ૨ હજાર કરોડનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટને કેન્દ્ર સરકારની નેશનલ રિવર કન્ઝર્વેશન યોજના હેઠળ રજુ કરવામાં આવશે. આ માટે કેન્દ્રીય ટીમ અમદાવાદ આવી રહી છે. સાબરમતી નદીના બંને કાંઠેથી કેટલાક વરસાદી પાણીનાં નાળા નદીમાં ખુલતા હતા. જેમાં ગટરનાં જોડાણો જોડી દેવામાં આવ્યા છે. ત્યાર બાદ રિવરફ્રન્ટ બનતા આ નાળા બંધ થઇ શકે તેમ નથી. જેથી વાસણા બેરેજથી ડફનાળા સુધી ઇન્ટરસેપ્ટર લાઇન નાખવામાં આવી હતી જેની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ છે. સાબરમતીમાં ગટરનાં પાણી બારોબાર છોડવામાં આવે છે. સાબરમતી નદીમાં ટ્રીટ થયા વગરનું ગટરનું પાણી રોકવા તથા ઇન્ડસ્ટ્રીનું કેમિકલ યુક્ત પાણી રોકવા કોર્પોરેશન દ્વારા ૨ હજાર કરોડના પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા છે. સાબરમતી નદીના શુદ્ધિકરણને લઈને પર્યાવરણવિદોનો આક્ષેપ છે કે કોર્પોરેશનના એસટીપી પ્લાન્ટ ચાલતા નથી. ગટર અને ઉદ્યોગોનું ટ્રીટ કર્યા વગરનું પાણી સીધું સાબરમતીમાં ઠાલવવામાં આવે છે. સાબરમતીના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ કરોડો ક્યાં ગયા તેનો કોઈ હિસાબ નથી. ત્યાં હવે કોર્પોરેશને ફરીથી ફેજ ૨ માટે ૨ હજાર કારોડ કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યા છે. કોર્પોરેશન હાઇકોર્ટે ઠપકો આપતા નદીના શુદ્ધિકરણ માટે દેખાડો કરે છે પણ કામ થતું નથી. શાહીબાગ ડફનાળાથી ઇન્દિરાબ્રિજ સુધીનાં વિસ્તારોનાં ગટરનાં પાણીને સુએજ નેટવર્ક અને મેઇન લાઇન થકી એસટીપીમાં લઇ જવાશે અને એસટીપીમાં ગટરનાં પાણી ટ્રીટ કરીને નદીમાં છોડવાની યોજના એનઆરસીપી સમક્ષ રજૂ કરાઈ છે. જેના માટે અંદાજે ૨ હજાર કરોડનાં વિવિધ પ્રોજેક્ટસ એનઆરસીપી સમક્ષ મોકલાયા છે.
ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતાં કેમિકલના પાણી
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નારોલ, દાણીલીમડા, ઓઢવ, નરોડા, વટવા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં કેટલાંક એકમો દ્વારા ગેરકાયદેસર રીતે જોખમી કેમિકલયુક્ત ગંદુ પાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાંખેલી સ્થાનિક ગટર લાઇનોમાં છોડવામાં આવે છે. આ માટે ગેરકાયદે સુએજ લાઇનોમાં ભંગાણ કરવામાં આવે છે પછી આ એકમોનું પાણી એસટીપી પ્લાન્ટ સુધી પહોંચે છે. જોકે, એસટીપી પ્લાન્ટ ગટરના પાણી ટ્રીટ કરવા માટે ડિઝાઇન કરેલા હોય છે એટલે, જ્યારે કેમિકલના ગંદા પાણી આવે ત્યારે પ્લાન્ટ ઓપરેશન કરતાં કોન્ટ્રાક્ટર કંપનીને ખબર પડે છે પણ આ રોકવા માટે કોઇ કડક પગલાં લેવાતા નથી. ગટરના પાણી સાથે કેમિકલયુક્ત પાણી ટ્રીટ કર્યા વિના સાબરમતી નદીમાં ઠાલવવામાં આવે છે જેના કારણે આ સાબરમતી નદીનું પાણી દુષિત થાય છે. આ પાણી આગળ વહીને જે જમીનોમાં ભળે છે ત્યાં પણ જમીનને ભારે નુકશાન થાય છે સાથે આ પાણી ભૂગર્ભમાં ઉતરે છે અને ભુગર્ભ જળ પણ દુષિત થાય છે. જેના કારણે સાબરમતી નદી દુષિત થઇ રહી છે.
ચોમાસાની સિઝનમાં પણ સાબરમતી નદીમાં પ્રદુષણમાં વધારો
ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મેનહોલમાં કેમિકલના પાણી ઠાલવવાની પ્રવૃતિ પણ વધે છે જેના કારણે પણ સાબરમતી નદી દુષિત થઇ રહી છે અને પર્યાવરણને નુકશાન થઇ રહ્યું છે.
અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઇનનું નેટવર્ક નાંખવામાં આવેલું છે. ચોમાસામાં દરેક વિસ્તારોમાં સ્ટોર્મ વોટર લાઇનનું નેટવર્ક હોતુ નથી, જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇનોનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે જ્યારે ચોમાસામાં વરસાદ પડે ત્યારે મોટાભાગની ગટર લાઇનના મેનહોલ ખોલી દેવામાં આવે છે પણ મેનહોલમાં વરસાદના પાણીની આવક વધતાં વરસાદના પાણી અને ગટરના પાણી ભળી જાય છે જેના કારણે ચાલુ વરસાદે આ પાણી રોકવામાં આવતા નથી અને સીધા નદીમાં ઠાલવી દેવાય છે. આમ, વરસાદી પાણી ગટર લાઇનના માધ્યમથી નદીમાં જાય છે, ત્યારે ગટરના પાણીની સાથે દુષિત થઇ જાય છે. જ્યારે સ્ટોર્મ વોટર લાઇનોમાં પણ ગેરકાયદે ગટરના જોડાણ હોવાથી પણ વરસાદી પાણી સાથે ગટરના પાણી નદીમાં ઠલવાય છે. આ વરસાદી પાણી પણ સાબરમતી નદી સુધી પહોંચે ત્યાં સુધી અશુદ્ધ થઇ ગયા હોય છે. હાલમાં અમદાવાદ શહેરમાં સ્ટોર્મ વોટર લાઇનમાં ગેરકાયદે જોડાયેલા ગટરના જોડાણો પણ સાબરમતી નદીને દુષિત કરી રહ્યાં છે.
જીપીસીબી દ્વારા એએમસીને માત્ર નોટિસો આપી જવાબદારી પૂર્ણ કર્યાનું નાટક કરીને હાથ ખંખેરી નાખવામાં આવે છે? જીપીસીબીની રહમ નજર હેઠળ એસટીપી પ્લાન્ટ ધમધમી રહ્યા છે?
કેન્દ્ર સરકારના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિશ્ચિત કરેલા પેરામીટર મુજબ ગટરના પાણી ટ્રીટ કર્યા વિના બારોબાર સાબરમતી નદીમાં છોડવામાં આવે છે, જેના કારણે સાબરમતી નદી પ્રદુષિત થઇ રહી છે. એક બે વર્ષ નહીં પણ સતત 9 વર્ષથી આવી બેદરકારી દાખવવામાં આવી રહી છે.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે. અમદાવાદ શહેર સહિત દરેક શહેરોમાં એસટીપી પ્લાન્ટ કાર્યરત હોય તો તેમાં ગટરના પાણી ટ્રીટ કરીને નદીમાં છોડવામાં આવતાં હોય તેવા કિસ્સામાં ટ્રીટ થયેલા પાણી નિયમ મુજબ ટ્રીટ થઇ રહ્યાં છે કે નહીં તે જોવાની જવાબદારી જીપીસીબીની છે પણ આટલા વર્ષોથી જીપીસીબીના અધિકારીઓ ઊંઘતા હતા કે પછી ઊંઘવાનું નાટક કરી રહ્યાં હતા?
શહેરના પિરાણા ખાતે એસટીપી પ્લાન્ટ નિયમ મુજબ ગટરના પાણી ટ્રીટ કરી રહ્યો ન હતો છતાં ટ્રીટ કર્યા વિનાના પાણી નદીમાં છોડાતા હતા પણ જીપીસીબીએ એકવાર પણ સખત કાર્યવાહી કરવાની તસ્દી લીધી ન હતી કે આ પ્લાન્ટને અપગ્રેડ કરી નિયમ મુજબ પાણી ટ્રીટ થાય તેની કોઇ કાળજી રાખી ન હતી. જેથી જીપીસીબીના જે અધિકારીઓએ આ સમગ્ર પ્રકરણમાં બેદરકારી દાખવી છે તેમની સામે કડક પગલાં લઇ દાખલો બેસાડવામાં આવે તેનો સમય આવી ગયો છે. આ ઉપરાંત ઔદ્યોગિક એકમો દ્વારા પણ મોટાપાયે પ્રદૂષિત પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેની સામે પણ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના શુદ્ધિકરણના નામે બણગાં ફૂંકવામાં આવે છે પણ વાસ્તવિકતા એ છે કે, ખુદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સાબરમતી નદીના શુદ્ધિકરણને લઇ જરા પણ ગંભીર નથી. એએમસી છેલ્લા બે-ત્રણ દાયકાથી સાબરમતી નદીના શુદ્ધિકરણ કરવાના નામે વિવિધ પ્રોજેક્ટ અમલી બનાવે છે, પરંતુ બીજી તરફ ખુદ સાબરમતી નદીમાં પ્રદુષણ ફેલાવવા માટે જવાબદાર છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ વાસ્તવિકતા એ છે કે, સાબરમતી નદીમાં નિયમ મુજબ ગટરના ટ્રીટ કરેલા પાણી છોડાતા નથી. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પિરાણા ખાતે આવેલાં એસટીપી પ્લાન્ટમાં નિયમ મુજબ ગટરના પાણી ટ્રીટ કરવામાં આવતુ નથી.
કેન્દ્ર સરકારના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એસટીપી પ્લાન્ટમાં ગટરના પાણી ટ્રીટ કરવા માટેના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ આજદિન સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન નવા નિયમો મુજબ, ગટરના પાણી ટ્રીટ કરી રહી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં જુના સાત એસટીપી પ્લાન્ટ કાર્યરત છે પણ તે નવા નિયમો અને પેરામીટર મુજબ પાણી ટ્રીટ કરતાં નથી. જેના કારણે પણ સાબરમતી નદી દુષિત થઇ રહી છે. આ તમામ પ્લાન્ટને અપગ્રેડ કરવાની યોજના અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી છે પણ તેની અમલવારી કરવામાં ભારે વિલંબ થઇ રહ્યો છે જેના કારણે હાલમાં સાબરમતી નદીમાં પ્રદુષણ વધી રહ્યું છે.