સ્વચ્છ હવા સર્વેક્ષણ હેઠળ સમગ્ર દેશમાં આ શહેરે મારી બાજી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની શ્રીનગરે સ્વચ્છ હવા સર્વેક્ષણ-2023 હેઠળ ભારતના ટોચના ક્રમાંકિત શહેરોમાં સ્થાન મેળવ્યું છે. એક સત્તાવાર પ્રવક્તાએ સોમવારે આ માહિતી આપી.

શ્રીનગર એક મિલિયનથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. શહેરે સમગ્ર દેશમાં ચોથો ક્રમ મેળવીને આ માઈલસ્ટોન હાંસલ કર્યું છે. આ પહેલા મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર પ્રથમ, ઉત્તર પ્રદેશનું શહેર આગ્રા બીજા અને મહારાષ્ટ્રનું થાણે શહેર ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશના ભોપાલ શહેરે સ્વચ્છ હવા સર્વેક્ષણ 2023 હેઠળ 5મો રેન્ક મેળવ્યો છે.

સ્વચ્છ હવા સર્વેક્ષણ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MEFCC) દ્વારા રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) હેઠળ હવાની ગુણવત્તા સુધારવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરાયેલા પગલાંના આધારે શ્રીનગર શહેરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

શ્રીનગરમાં રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP) ના અમલીકરણ માટે જિલ્લા સ્તરીય અમલીકરણ અને દેખરેખ સમિતિના અધ્યક્ષ એજાઝ અસદે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર શ્રીનગર શહેરને વધુ સારું સ્થાન બનાવવા માટે તેના સહયોગી પ્રયાસો ચાલુ રાખશે.

શ્રીનગર જીલ્લામાં 2025 સુધીમાં હવાની ગુણવત્તા સૂચકાંકમાં સુધારો કરવા અને PM10 ના સ્તરને ઘટાડવા માટે NCAP ને અમલમાં મૂકીને અધ્યક્ષ એજાઝ અસદની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટીતંત્ર શ્રીનગર દ્વારા ઘણી પહેલ કરવામાં આવી છે.

નોંધનીય છે કે NCAP, મિશન લાઇફ હેઠળ, બંજર જમીનનો કાયાકલ્પ, વિશાળ વૃક્ષારોપણ, ફુવારાઓનું નિર્માણ, સફાઈ અને સ્વીપિંગ મશીનોની ખરીદી અને IEC પ્રવૃત્તિઓ શ્રીનગર જિલ્લામાં હવાની ગુણવત્તા સૂચકાંકમાં સુધારાના મુખ્ય ઘટકો છે.