ઉત્તર ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદનું આગમન

૨૫ દિવસના વિરામ બાદ પાટણ જિલ્લામાં શિતળા સાતમથી વરસાદનું આગમન થયું છે. જન્માષ્ટમીના દિવસે સિદ્ધપુર અને સરસ્વતીમાં બે ઇંચ, પાટણમાં દોઢ ઇંચ અને હારિજમાં અડધો ઇંચ વરસાદ વરસતા પાણી વગર સુકાતા ખરીફ પાકને હાલ પૂરતું જીવતદાન મળી જતા ખેડૂતો હરખાયા છે અને પશુઓ માટે ઘાસચારાની તંગીની શક્યતાઓ પણ ઘટી જશે જેને પગલે પશુપાલકોને રાહત થઈ છે.

બીજી બાજુ સિદ્ધપુર સહિત આસપાસના કેટલાક વિસ્તારોમાં દિવેલાનું બાકી વાવેતર પણ થઈ શકશે. મંગળવારે પણ જિલ્લામાં પાટણ સહિત આસપાસના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા.પાટણ જિલ્લામાં ૨.૭૦ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ વાવેતર થયું છે. પરંતુ વરસાદ ખેંચાતા જુવાર ઘાસચારો, કઠોળ, બીટી, કપાસ, દિવેલા સહિતનો પાક પાણી વગર મુરઝાવવા લાગતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. પરંતુ જન્માષ્ટમીના તહેવારોમાં છેલ્લા ત્રણ દિવસથી પાટણ જિલ્લામાં વરસાદનું આગમન થતા પાણી વગર મૂરઝાતા જુવાર, ઘાસચારો, બીટી, કપાસ, કઠોળ, દિવેલા સહિતના પાકને જીવતદાન મળ્યુંં છે. ખેડૂતોને હવે પિયત આપવું નહીં પડે અને સિદ્ધપુર, પાટણ, ચાણસ્મા, સરસ્વતી સહિતના વિસ્તારમાં દિવેલા અને વરીયાળીનું વાવેતર પણ થઈ શકશે.

જોકે, હજુ સમી, સાંતલપુર, સહિતના અંતરિયાળ વિસ્તારમાં વરસાદની જરૂરિયાત છે.સરસ્વતી પંથકમાં બે દિવસથી લાંબા સમય બાદ વરસાદી માહોલ છવાયો છે જેથી ખેડૂતોનો મુરજાતો મોલ દિવેલા,અડદ,જુવાર,બાજરીને એક પિયત જેટલું જીવદાન મળ્યું છે તેવું સાગોડિયાના ખેડૂત અમરતભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે જણાવ્યું કે છેલ્લે ૪ ઓગસ્ટે પાટણ જિલ્લામાં વરસાદ થયો હતો ત્યારબાદ ૨૭ ઓગસ્ટથી વરસાદનું આગમન થયું છે. સરેરાશ ૨૫ દિવસ સુધી વરસાદ થયો ન થતાં ખેતી પાક પર સંકટ ઊભું થયું હતું પરંતુ સમયસર વરસાદ થતા હાલ પૂરતું સંકટ ટળ્યું છે. ૩૧ ઓગસ્ટ સુધી સીઝનનો ૪૨ ટકા વરસાદ થયો છે પરંતુ ૫૮ ટકાની ઘટ છે.જોકે જિલ્લાના છેવાડાના સાંતલપુર, રાધનપુર,સમી,શંખેશ્વર તાલુકામાં સામાન્ય વરસાદ થયો હતો. શંખેશ્વર તાલુકામાં માત્ર ૪ મીમી જ્યારે રાધનપુર, સાંતલપુર અને ચાણસ્મા તાલુકામાં ૧૦ મીમી વરસાદ થયું છે જોકે ખેતીવાડી વિભાગના અનુમાન મુજબ સપ્ટેમ્બર માસના આરંભ પૂર્વે વરસાદ શરૂ થયો હોય આગામી દિવસોમાં વરસાદની આશા બંધાઇ છે