ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષા

ઉત્તરાખંડના કેદાર ઘાટીના હિમાલયના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર કેદાર ઘાટી ઠંડીની ચપેટમાં આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના અભાવે ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં કેદાર ઘાટીમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. કેદારનાથ, તુંગનાથ, મદમહેશ્વરની સાથે ચોપતામાં પણ રવિવારે હિમવર્ષા થઈ હતી. મીની સ્વિટ્‌ઝર્લેન્ડના ચોપતામાં બરફવર્ષાનો આનંદ માણવા સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં હિમવર્ષાના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનથી સ્થાનિક વેપારીઓના ચહેરા પણ ખીલી ઉઠ્‌યા છે.

બીજી તરફ, હવામાન વિજ્ઞાન કેન્દ્ર દેહરાદૂનની આગાહી અનુસાર, રાજ્યના ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ, ખાસ કરીને ઊંચાઈવાળા સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ સિવાય બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે. ૩૦૦૦ મીટર અને તેનાથી વધુ ઉંચાઈવાળા સ્થળોએ હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેહરાદૂનમાં આજે આકાશ સ્વચ્છ રહેશે, સવારે અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે. તે જ સમયે, મહત્તમ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

૩૦ ડિસેમ્બરે પણ કુમાઉ વિભાગના પર્વતીય વિસ્તારોમાં હવામાન ખરાબ રહેશે. હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. બાકીના જિલ્લાઓમાં ખાસ કરીને મેદાની વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે. આ સાથે જ હિમવર્ષા બાદ તાપમાનનો પારો ગગડતાં રાજ્યભરમાં શીત લહેરનો પ્રકોપ પણ શરૂ થયો છે. પહાડોમાં હિમવર્ષાની સાથે મેદાની વિસ્તારોમાં પણ ઠંડી પડી રહી છે.ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. રવિવારે મોડી સાંજે ઉત્તરાખંડના પર્યટન સ્થળો ઔલી , ચોપતા-દુગલબિટ્ટા, બદ્રીનાથ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી. જે બાદ સોમવારે સવારે બદનીનાથ ધામ સહિત ઓલીમાં અદ્દભુત નજારો જાેવા મળ્યો હતો.

બીજી તરફ, ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે પણ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.