પૂર્વી યુએસમાં ભારે તોફાનનો ખતરો, વાવાઝોડાની આગાહી

અમેરિકા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ અમેરિકન એરપોર્ટ પર ભારે અફરાતફરી જોવા મળી હતી. હવામાનની વિવિધ ચેતવણીઓને કારણે લગભગ ૧૦૦ મિલિયન લોકો પ્રભાવિત થવાના છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવાની ફરજ પડી રહી છે. સોમવારે એક જ દિવસે અમેરિકાના એરપોર્ટ લોકોથી ભરાઈ ગયા હતા અને હજારો ફ્લાઈટ્‌સ કેન્સલ કરવી પડી હતી અથવા તેમના પહોચવાના સ્થાને મોડી પહોંચી હતી.એક રીપોર્ટમાં જણાવ્યા અનુસાર માત્ર સોમવારે જ, યુ.એસ.થી અને ત્યાંથી ૩,૦૦૦થી વધુ ફ્લાઈટ્‌સ વિલંબિત અથવા રદ થઈ હતી. ટ્રાન્સપોર્ટેશન સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનના ડેટાએ એ પણ દર્શાવ્યું છે કે રવિવારે યુએસ એરપોર્ટ પર રેકોર્ડ બ્રેક સંખ્યામાં મુસાફરો આવ્યા હતા અને આ અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે.

FlightAware વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા દર્શાવે છે કે કેરિયર યુનાઈટેડ એરલાઈન્સ વિલંબથી સૌથી વધુ પ્રભાવિત થઈ હતી, જેમાં ૩૦૦થી વધુ ફ્લાઈટ્‌સ મુલતવી રાખવામાં આવી હતી. ગયા અઠવાડિયે, એરલાઇન્સ કંપનીએ ૫,૦૦૦થી વધુ ફ્લાઇટ્‌સ કાં તો વિલંબિત અથવા રદ કરવી પડી હતી. તેમના કર્મચારીઓને લખેલા પત્રમાં ચીફ એક્ઝિક્યુટિવ સ્કોટ કિર્બીએ જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે સિસ્ટમમાં વિક્ષેપ પડ્યો હતો. ઓપરેશનલ સિસ્ટમને સુચારૂ રીતે જાળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડે છે. તેણે એમ પણ કહ્યું કે મારી સમગ્ર કારકિર્દીમાં મેં અનુભવેલ આ સૌથી પડકારજનક સપ્તાહોમાંથી એક છે.એરલાઇન કંપનીએ જણાવ્યું હતું કે તે હવાઈ મુસાફરીના વિક્ષેપથી સૌથી વધુ અસરગ્રસ્ત ગ્રાહકોને ૩૦,૦૦૦ ફ્રિક્વન્ટ ફ્લાયર માઈલની ભરપાઈ કરશે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે પૂર્વી યુએસમાં ભારે તોફાનનો ખતરો છે, જ્યારે દક્ષિણ અને પશ્ચિમ અમેરિકામાં અસામાન્ય ગરમીની સ્થિતિ છે. ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી પીટ બટિગીગે જણાવ્યું હતું કે ખરાબ હવામાને અમેરિકન હવાઈ મુસાફરીને એટલી હદે “અવ્યવસ્થિત” કરી હતી કે તે “સિસ્ટમ પર જબરદસ્ત દબાણ બનાવે છે.” અમેરિકાના ઘણા શહેરોમાં તોફાનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સોમવારે, મિસિસિપીથી મેસેચ્યુસેટ્‌સ, તેમજ મોન્ટાના અને મિનેસોટામાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. અમેરિકાના દક્ષિણ વિસ્તારમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. તોફાનને કારણે આ સપ્તાહના અંતમાં યુ.એસ.ના મધ્યમાં ૧૫૦,૦૦૦થી વધુ લોકો વીજળી વિના રહેવા મજબૂર બન્યા હતા.