વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં ત્રણ દિવસ શાળા-કોલેજ બંધ

બિપરજોય વાવાઝોડુ તીવ્ર ગતિથી ગુજરાત પર આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના મતે વાવાઝોડુ માંડવીના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવના છે. વાવાઝોડાને પગે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો ર્નિણય લીધો હતો. કચ્છની તમામ શાળાઓ અને કોલેજ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. કચ્છમાં આગામી ૧૩ જૂન થી ૧૫ જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે. તે સિવાય ચક્રવાત બિપરજોય સંભવિત કચ્છમાં લેન્ડફોલ થવાની શક્યતા છે. જેને પગલે કચ્છના બે યાત્રાધામ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. આગામી ૧૫ જૂન સુધી નારાયણ સરોવર તેમજ કોટેશ્વર મંદિર  બંધ રહેશે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ વાવાઝોડાને પગલે જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ૧૨ અને ૧૩  જૂન રજા જાહેર કરાઈ હતી. રજાઓ દરમિયાન શાળાના આચાર્ય અને સ્ટાફે હાજર રહેવાનું રહેશે.

વાવાઝોડાની આગાહી સંદર્ભે તકેદારીના ભાગરૂપે આ ર્નિણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે રજાનો ર્નિણય કરવામાં આવ્યો છે.બિપરજોય વાવાઝોડુ પોરબંદરથી ૩૨૦ કિ.મી, દ્વારકાથી ૩૬૦ કિ.મી, નલિયાથી ૪૪૦ કિ.મી, જખૌથી ૪૪૦ કિ.મી દૂર છે. વાવાઝોડુ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ યથાવત છે. વાવાઝોડુ માંડવી, કરાચી, જખૌની વચ્ચે પસાર થવાની શક્યતા છે. વાવાઝોડુ ૧૫ જૂને બપોરે ત્રાટકે તેવી સંભાવના છે. વાવાઝોડું પસાર થાય ત્યારે ૧૨૫થી ૧૫૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાશે.વાવાઝોડાને લઈને રાજ્યના બંદરો પર સિગ્નલ બદલાયા હતા. મોરબીના નવલખી બંદર પર ૧૦ નંબરનું સિગ્નલ લગાવાયું છે. દ્વારકામાં ૧૦ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે. રાજ્યના નવ બંદરો પર નવ નંબરના ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.