સચિન જીઆઈડીસી દુર્ઘટના મામલો; ચાર આરોપીઓની ધરપકડ
સચિન જીઆઈડીસીમાં ગુરૂવારે સવારે બનેલી કેમિકલ યુક્ત પ્રવાહીના નિકાલ કરતા સમયે ઉદભવાયેલા ફ્યુમસના પગલે 6 લોકોના મોત થયા હતા અને 23 લોકો સારવાર હેઠળ છે. આ ગોઝારી ઘટનામાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગંભીર ગુનો નોંધાયો છે. જે સંદર્ભે આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ કમિશનર દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી.
તપાસનો ધમધમાટ શરૂ કરતા ક્રાઇમ બ્રાન્ચ અને અધિકારીઓની અલગ-અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં વડોદરાના આશિષકુમાર દુધનાથ ગુપ્તા, સુરતના પારડી સચિનના રહેવાસી પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા, અંકલેશ્વરના જીતાલી ગામના જયપ્રતાપ રામકિશોર તોમર અને અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર પાર્ક નવસર્જન સોસાયટીમાં રહેતા વિશાલ ઉર્ફે છોટુ અનિલકુમાર યાદવને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કામગારીમાં ભરૂચ અને વડોદરા શહેર પોલીસની મદદ મળી હતી.
આ ગુનામાં આરોપી આશિષકુમાર ગુપ્તાએ અનઅધિકૃત રીતે ઔદ્યોગિક કેમિકલ યુક્ત પ્રવાહી નિકાલ કરવા માટે આરોપી વિશાલ ઉર્ફે છોટુ યાદવ તથા જયપ્રતાપ તોમરનાઓને કેમિકલ પુરૂ પાડ્યુ હતુ આ બન્ને આરોપીઓ ટેન્કર નંબર જીજે 06 ઝેડઝેડ 6221માં આ ઔદ્યોગિક કેમિકલ યુક્ત પ્રવાહી ભરી આરોપી ડ્રાઇર સુરેન્દ્રસીંગ તથા પ્રેમસાગર મારફતે સચિન જીઆઈડીસી રોડ નંબર 3 વિશ્વાપ્રેમ મીલ પાસે નિકાલ કરવા જતા આ દુર્ઘટના સર્જાયેલી હોવાનું હાલ સુધીની તપાસ દરમિયાન સામે આવ્યું છે, આ કામે પકડાયેલા આરોપીઓના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી આ ગુનાની ઝીવણટભરી તપાસ ચાલુ છે.
આ દુર્ઘટનામાં આરોપીઓ ઝડપાઇ ગયા છે અને તપાસ ચાલુ છે, પરંતુ અહીં કેટલાંક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યાં છે. આ ઘટના બની તેના કેટલાંક દિવસ પહેલા પર્યાવરણ ટુડેની ટીમે જ્યારે સચિન અને પાંડેસરા જીઆઈડીસીની મુલાકાત લીધી ત્યારે આ રીતે કુદરતી નાળામાં પ્રદૂષિત પાણીને ગેરકાયદેસર છોડાઇ રહ્યું હોય તેવી ઘટનાઓ ધ્યાનમાં આવી હતી. જેને લઇને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી પરાગ દવેને ફોનના માધ્યમથી સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ જીપીસીબીના અધિકારીએ ફોન ઉપાડ્યો ન હતો. જેના પાંચ દિવસ બાદ સચિન જીઆઈડીસીમાં આ ગોઝારી ઘટના બની હતી.