હવા પ્રદૂષણ બાબતે સચિન જીઆઈડીસીમાં હાલ પણ ‘જૈસે થે’ જેવી સ્થિતિ
- દર વર્ષે શિયાળામાં એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંક બેફામ વાયુ પ્રદૂષણનો સંકેત આપે છે
- લોકોને સ્વચ્છ હવામાં શ્વાસ લેવાના અધિકારથી વંચિત રાખવા તે કેટલું યોગ્ય?
- વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવાની જવાબદારી કોના શિરે? કેમ નથી થઈ રહી યોગ્ય કાર્યવાહી?
સુરતઃ દર વર્ષે શિયાળામાં હવા ઘટ્ટ બની જતા મોટા શહેરો ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા શહેરોમાં હવા પ્રદૂષણનું પ્રમાણ વધી જતુ જોવા મળે છે. આ સમયે વિવિધ માધ્યમોમાં આ સમસ્યાને સ્થાન આપવામાં આવે છે અને પછી સમય જતાં આ સમસ્યા પર પડદો પડી જાય છે. લોકમાનસ પરથી આ વાત ભૂસાઇ જાય છે, કારણકે લોકો હવે આ સ્થિતિ વચ્ચે જીવતા શીખી ગયા છે, પરંતુ લોકોને સ્વચ્છ હવામાં શ્વાસ લેવાના અધિકારથી વંચિત રાખવા તે કેટલું યોગ્ય છે? આ માટે ખાસ કરી પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાની જવાબદારી જેના શિરે છે તેવા જીપીસીબીના સ્થાનિક અધિકારીઓએ કડક કાર્યવાહી કરી ઉદાહરણીય કાર્ય કરવું જોઇએ અને પોતાની ફરજ નિભાવવી જોઈએ. જોકે, આ અધિકારીઓ બેફામ હવા પ્રદૂષણ ફેલાવતા એકમો સામે સઘન કાર્યવાહી કરતા હોત તો હવા પ્રદૂષણની હાલની સ્થિતિ સર્જાઈ હોત? તે એક મૂંઝવતો પ્રશ્ન છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં સુરત શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 345 સુધી પહોંચી ગયો હતો. આ સ્થિતિ માટે સ્થાનિક સ્તરે અને આસપાસની ઔદ્યોગિક વસાહતો દ્વારા ફેલાતું હવા પ્રદૂષણને અવગણી શકાય નહીં. આ વિશે ગત વર્ષે પર્યાવરણ ટુડે દ્વારા આ સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, દુર્ભાગ્યપૂર્ણ રીતે હાલમાં જ્યારે પર્યાવરણ ટુડેની ટીમે સચિન જીઆઈડીસીની મુલાકાત લધી ત્યારે ‘જૈસે થે’ જેવી સ્થિતિ જોવા મળી હતી. હાલ પણ પ્રદૂષણની ભરમાર જોવા મળી રહી છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં એવા કેટલાંક દ્રશ્યો જોવા મળ્યા જે બેફામ રીતે ફેલાવાઈ રહેલા હવા પ્રદૂષણની સાક્ષી પૂરે છે.
સચિન જીઆઈડીસીમાં આવેલા ઔદ્યોગિક એકમોની ચીમનીઓમાંથી કાળા ધૂમાડા ઓકી રહી છે. આ કાળા ધૂમાડા આકશામાં ફેલાઇ રહેલા જોવા મળી રહ્યાં છે, જે દૂર દૂર સુધી જતા જોવા મળી રહ્યાં છે. આ પ્રકારના પ્રદૂષણ સ્વાસ્થ્ય માટે ખાસ કરીને શ્વસન સંબંધી સમસ્યાઓ માટે કેટલા ઘાતક સાબિત થતા હોય છે, તે વાતથી આપણે સૌ હવે અજાણ રહ્યાં નથી.
વાયુ પ્રદૂષણ એ રસાયણિક, જૈવિક અને રજકણીય પદાર્થોનો પરિચય છે, જે માનવી અથવા તો અન્ય જીવસૃષ્ટિને ગંભીરપણે હાનિ પહોંચાડે છે. આ ઉપરાંત વાતાવરણના પ્રાકૃતિક પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે.
આ હવા પ્રદૂષણ પ્રકૃતિ સહિત માનવ તેમજ પશુ-પક્ષીઓને એટલી ગંભીર હદે નુક્શાન પહોંચાડી રહ્યાં છે કે જેની આપણે ક્યારે ભરપાઈ કરી શકવાની નથી. પરંતુ અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થઇ રહ્યો છે કે આ પ્રકારના નુક્શાનકારક પ્રદૂષણને કોણ પોષી રહ્યું છે? જીપીબીસી સહિતના જવાબદાર તંત્રના સ્થાનિક અધિકારીઓની આંખો આ બેફામ રીતે ફેલાવાઈ રહેલા વાયુ પ્રદૂષણને નહીં જોઈ શકતી હોય?