સચિન જીઆઈડીસી એથર ઇન્ડસ્ટ્રીઝ દુર્ઘટનાઃ જીપીસીબીના આધિકારીનું વિવાદિત નિવેદન
સુરતઃ સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટની દુર્ઘટનામાં સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 27 કામદારોમાંથી 3 લોકોની હાલત ગંભીર જણાઇ આવી છે. આવા સમયે એથર ઇડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ કરવા પહોંચેલા જીબીસીબીના અધિકારીએ મીડિયા સમક્ષ આપેલા નિવેદનથી વિવાદ સર્જાયો છે.
આ પ્રાથમિક તપાસ અર્થે પહોંચેલા જીપીસીબીના અધિકારીએ સુરક્ષા અને સલામતી માટેના પગલાઓ સામે સંતોષ વ્યક્ત કરી આ ગોઝારી ઘટનાને અકસ્માત જણાવતા વિવાદિત નિવેદન આપ્યું છે.
એથર ઇડસ્ટ્રીઝમાં પ્રાથમિક તપાસ અર્થે પહોંચેલા જીપીસીબી અધિકારી જિજ્ઞા ઓઝાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતુ કે આ ઘટના એક અકસ્માત છે. સલામતીના કારણે નુક્શાન ઓછુ થયું છે. આ ઘટનામાં કંપનીની ભૂલ ન હોઇ કંપનીની બેદરકારી નથી તેમ જણાવતા તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે આ એક અકસ્માત છે, કોઈ પ્લાન્ડ ઇવેન્ટ નથી હોતી. અનપ્લાન્ડ ઇવેન્ટ હોય છે. મિસ હેપનિંગ કે આપણે ચાલતા હોઈએ ત્યારે ક્યારેક પડી જતા હોઇએ છીએ. પ્રાથમિક દ્રષ્ટિએએ કંપનીની કોઈ ભૂલ હોય એવું લાગતુ નથી.
જીપીસીબી મુજબ કંપનીની સુરક્ષા અને સલામતીની કામગીરી અપ ટૂ ધ માર્ક છે અને સ્ટોરેજ ટેન્કમાં કેપેસિટિના 75 ટકા જેટલુ જ પ્રવાહી હતું. ત્યારે અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તો પછી આ ગોઝારી ઘટના કેવી રીતે ઘટી?