દાંતીવાડા ડેમનો એક દરવાજો ક્ષતિગ્રસ્ત થતાં કરોડો લીટર પાણીનો વેડફાટ

ખેડૂતોએ ડેમના અધિકારીઓ ઉપર બેદરકારીના આક્ષેપ લગાવતા ચીમકી ઉચ્ચારી


બનાસકાંઠાઃ બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી રવિ સિઝન માટે ખેડૂતોને પાણી આપવા ખોલાયેલા દરવાજા પૈકી એક દરવાજો ક્ષતિગ્રસ્ત બન્યો હોઇ પૂરેપૂરો બંધ થતો નથી. પરિણામે એક કલાકમાં ૩૦ કરોડ લિટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. વર્તમાન સમયે ડેમના પાણીનું પ્રેશર એટલું છે કે, અંદર કોઇ સમારકામ કરવા માટે ઉતરવા પણ તૈયાર નથી. જો આવી જ સ્થિતિ રહેશે તો થોડા સમયમાં ડેમ અડધો ખાલી થઇ જશે તેવી ખેડૂતોને ચિંતા છે. જેને લઈને ખેડૂતોએ ડેમના અધિકારીઓ ઉપર બેદરકારીના આક્ષેપ લગાવતા ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ડેમના દરવાજાનું સમારકામ કરી વેડફાતું પાણી બંધ નહિ કરાય તો ખેડૂતો આંદોલન કરશે.

આ ચોમાસામાં ઉપરવાસ અને બનાસકાંઠામાં ભારે વરસાદ થતાં બનાસકાંઠાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ ચોમાસા દરમિયાન ભયજનક સપાટીએ પહોંચી જતાં ડેમના ચાર દરવાજા ખોલી બનાસનદીમાં પાણી છોડાયું હતું. જે પછી રવિસિઝનમાં ખેડૂતોની માંગણીને લઇ એક માસ અગાઉ દરવાજા ખોલી નહેર મારફતે પાણી અપાઈ રહ્યું હતુ. જોકે, બે પિયત માટે પાણી અપાયા પછી પણ નહેરમાં પાણી બંધ કરી નદીના પટમાં પાણી છોડવાનું ચાલુ રહેતા જરૂર વગરનું પાણી વેડફાતા ખેડૂતોએ તપાસ કરતાં ચોંકાવનારૂ કારણ એ સામે આવ્યું છે કે, ખોલાયેલા દરવાજા પૈકી એક દરવાજો ક્ષતિગ્રસ્ત બન્યો હોઇ પૂરેપૂરો બંધ થતો નથી. પરિણામે દોઢ મીટરની ખુલ્લી જગ્યામાંથી દર એક કલાકમાં ૩૦ કરોડ લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે.