વડોદરામાં ૨ કરોડ ખર્ચ કરવા છતાં રસ્તાઓ ધોવાઇ ગયા

વડોદરામાં સામાન્ય વરસાદમાં રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે. ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થયું હોવાના તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.જેને લઈ પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં પેચવર્કની કામગીરની તંત્રની પોલી ખુલ્લી પડી ગઈ છે. માત્ર સામાન્ય વરસાદ બાદ શહેરમાં અનેક રસ્તાઓ ઉબડખાબડ જોવા મળી રહ્યા છે. અધિકારી અને કોન્ટ્રાક્ટરો સામે પગલા ભરવાની નાગરિકો માગ કરી રહ્યા છે. લોકો કહી રહ્યાં છે કે, સ્માર્ટ સિટીના સપના દેખાડતું તંત્ર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરે. રસ્તાઓ પર ખાડા પડી જતા વાહનચાલકો પરેશાન છે. વડોદરા શહેરમાં છેલ્લા વરસાદી માહોલ છવાયેલો છે. વરસાદ ચાલુ રહેતા પોણા ત્રણ ઇચ જેટલો વરસાદ વરસ્યો હતો. પરિણામે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વિવિધ માર્ગો પર પાણી ફરી વળતા વાહનચાલકો પરેશાન થયા હતા. વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં લોકોનો તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો. હજુ પણ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે અને વાહનચાલકોને અકસ્માતની ભીતિ તથા સ્થાનિકો રોગચાળાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે .

સ્માર્ટ સિટી વડોદરામાં રસ્તાઓ ધોવાઇ જતા મનપાની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. ખાડા પૂરવામાં ઘોર બેદરકારીના કારણે જીવલેણ અકસ્માતોની ભીતિ સર્જાઈ છે. સંબંધિત એજન્સી દ્વારા માટીના પુરાણમાં બેદરકારીના કારણે ખાડાઓ સર્જાતા હોવાનું જગજાહેર છે. પરંતુ સ્માર્ટ સિટીના સત્તાધિશો દ્વારા કંપની સામે કોઈ કાર્યવાહી થતી નથી. એજન્સીની બેદરકારી ઉપરાંત તંત્રનો ભ્રષ્ટાચાર પણ જવાબદાર હોવાની શક્યતા છે. ધોધમાર વરસાદને કારણે વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઠેર-ઠેર ભૂવા અને ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા પેચવર્કની કામગીરી પાછળ ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં દર વર્ષે વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની તેમજ ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાથી શહેરીજનો ભારે હાડમારી ભોગવતા હોય છે. આ વર્ષે પણ અંદાજે ૨ કરોડ રૂપિયાનો ખર્ચ પેચવર્ક કામગીરી પાછળ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ, વરસાદમાં અનેક વિસ્તારોમાંથી પાણીનો નિકાલ નહીં થતા ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે રસ્તાઓ તૂટી ગયા હતા. હાલમાં વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની અને ગટર ચોકઅપ થવાની ફરિયાદો ઉઠી છે. પ્રિમોન્સૂન અને પેચવર્કની કામગીરી કર્યાના તંત્રના દાવા વચ્ચે આજે વરસેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. જોકે સરકારી ચોપડે તો પ્રિ-મોન્સૂન કામગીરીના લાખો રૂપિયા ઉધારાઈ જ ગયા હશે. બે દિવસ બાદ પણ શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. વરસાદને પગલે વડોદરા શહેરની સ્થિતિ જોતા પાલિકાની પેચવર્કની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે અને નાગરિકો આક્રોશ ઠાલવી રહ્યા છે.

વડોદરા પાલિકાએ ચોમાસા પહેલા જૂન મહિના દરમિયાન ૨૬.૫૦ લાખ, જુલાઈ મહિના દરમિયાન ૬૨.૬૧ લાખ ઓગસ્ટ મહિના દરમિયાન ૬૧.૬૧ લાખ આમ અંદાજે રૂ.૨ કરોડના ખર્ચે પેચવર્કની કામગીરી તમામ વોર્ડમાં કરી હતી. પરંતુ, વરસાદના કારણે પેચવર્કની કામગીરીના ધજાગરા ઉડ્યા હતા. અનેક સોસાયટીઓ, દુકાનો અને માર્ગો પર વરસાદી પાણીનો ભરાવનો થયો હતો. જેના કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયા છે અને શહેરીજનોએ હાલાકીનો સામનો કરવો પડયો હતો. પાલિકાની ટીમે કરેલી પેચવર્ક કામગીરી સામે સવાલો ઊભા થયા હતાં.

વડોદરામાં મોટા ભાગના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતાં. ચાર દરવાજા, રામદેવનગર આજવા રોડ, રાવપુરા, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ આસપાસ, ગેંડા સર્કલ, કારેલીબાગ સહિત અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. વડોદરામાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા અને કેટલીક જગ્યાએ રસ્તાનું ધોવાણ થતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. રામદેવનગર સહિત વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી રસ્તા પર પડેલા ખાડા નજરે ન ચડતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવતી હતી. ત્યારે મનપા કમિશનર અને મેયર કોઇ કાર્યવાહી કરશે કે, નહીં હવે તે જોવાનું રહેશે. ભ્રષ્ટાચારના કારણે રસ્તા પર ખાડા પડી ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેમાંય રસ્તા પર પડેલા ખાડામાં ચાલુ વાહને વાહનચાલકો નીચે પડી જાય છે.