તળિયા ઝાટકઃ રાજકોટ મેયરે સૌની યોજનામાંથી પાણી આપવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાતા પીવાના પાણી માટે આવેલા જળાશયોના પણ તળિયા દેખાવા લાગ્યા છે. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે CMને પત્ર લખી સૌની યોજનાથી ૧૫૦ MCFT પાણીનો જથ્થો આપવા માગણી કરી છે. અને પત્રમાં લખ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં રોજ ૨૦ મિનીટ જ પાણી વિતરણ કરવું પડકારભર્યું બનશે. આ મુદ્દે વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ મનપા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શહેરમાં નાગરિકો દ્વારા પાણીનો વેરો ભરવામાં આવે છે છતાં પણ લોકોને પૂરતું પાણી મળતું નથી. હવે જો મનપા સરકારને પાણીનો વેરો નહીં પહોંચાડે તો કોંગ્રેસ પાણીના પૈસા સરકારને પહોંચાડશે.

હાલ રાજકોટમાં આજીડેમ, ન્યારી ડેમ અને ભાદર ડેમમાંથી પાણીનો જથ્થો શહેરમાં વિતરણ કરવામાં આવે છે. પરંતુ હાલ આજી-ન્યારીડેમમાં ૨૫ ટકા અને ભાદર ડેમમાં માત્ર ૨૦ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. જોકે આ જથ્થો ૩૧ જુલાઈ સુધી જ ચાલે તેમ છે. ત્યારે વધુમાં વિપક્ષી કોંગી નેતાએ જણાવ્યું હતું કે, મેયરે CMને પાણી મુદ્દે પત્ર લખ્યો તેને હું બિરદાવું છું. પણ પાણી બાબતે રાજકારણ ન થવું જોઈએ. આજે મેં આજીડેમની મુલાકાત લીધી, ડેમમાં પણ ૩ ફૂટ કરતા નીચુ પાણી છે. જે પાણીની અછત દર્શાવે છે. આ ઉપરાંત વોર્ડ નં.૪માં પીવાનું પાણી સમયસર આવતું નથી અને જ્યાં આવે છે ત્યાં ડહોળું પાણી આવે છે માટે પાણી બાબતે રાજકારણ ન થવું જોઈએ. મનપા એ આ સમસ્યાની જલ્દીથી જલ્દી ઉકેલ લાવવો જોઈએ.